ઓબીસીમાં અનામતની માંગણીને લઇ આજે સાંજે કોંગ્રેસ અને પાસના નેતાઓ વચ્ચે મહત્વની બેઠક યોજાઇ હતી. જેમાં બંને પક્ષે સારી એવી અને મહત્તમ સમજૂતી સધાઇ ગઇ હોવાની વાત સામે આવી હતી. બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, કોંગ્રેસના સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલ અને પાસના નેતા દિનેશ બાંભણીયાએ પત્રકાર પરિષદ યોજી આ સમગ્ર મામલે અધિકૃત જાહેરાત કરી હતી. હવે કોંગ્રેસને સમર્થન આપવું કે કેમ અને અનામત મુદ્દે કોંગ્રેસની સહમતી સ્વીકાર્ય છે કે કેમ તે સહિતના તમામ મુદ્દે આવતીકાલે હાર્દિક પટેલ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના મતવિસ્તારમાંથી જાહેરસભા મારફતે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે એમ પણ પાસના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું. કોંગ્રેસ દ્વારા બિનઅનામત આયોગમાં તમામ વર્ગ માટે અનામતની ફોર્મ્યુલા પર સહમતિ સધાઇ હોવાનું જાણવા મળે છે. કોંગ્રેસના સિનિયર નેતા સિધ્ધાર્થભાઇ પટેલના નિવાસસ્થાને આજે સાંજે પાસના નેતાઓ
દિનેશ બાંભણીયા, અલ્પેશ કથીરીયા સહિતના નેતાઓની એક મહત્વની બેઠક ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે યોજાઇ હતી. લગભગ એકાદ કલાક સુધી ચાલેલી બેઠક બાદ બંને પક્ષના નેતાઓ બહાર આવ્યા હતા. બેઠક બાદ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને કોંગ્રેસના સિનિયર નેતા સિધ્ધાર્થ પટેલે જણાવ્યું હતું કે, પાસના નેતાઓએ જે ૨૪ કલાકનું અલ્ટીમેટમ આપ્યું હતું તે મુજબ બેઠક યોજાઇ ગઇ છે અને બંને પક્ષે સારા વાતાવરણમાં બેઠક યોજાઇ છે. અમારી વચ્ચે સારી સહમતિ સધાઇ ગઇ છે અને એક સારા નિષ્કર્ષ પર આવ્યા છીએ. દરમ્યાન પાસના નેતા દિનેશ બાંભણીયા અને અલ્પેશ કથીરિયાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ સાથે અનામતના મુદ્દા પરની સ્પષ્ટતાને લઇ આજે અમારી બેઠક યોજાઇ હતી, જે સારા વાતાવરણમાં યોજાઇ છે અને અમારી વચ્ચે સારુ એવુ સમાધાન થયું છે. અમારી વચ્ચે મહત્તમ મુદ્દાઓ પર સહમતિ સધાઇ ગઇ છે. હવે આવતીકાલે અનામત મુદ્દે કોંગ્રેસની સહમતિ સ્વીકાર્ય છે કે કેમ અથવા તો, કોંગ્રેસને સમર્થન આપવું કે કેમ તે સહિતના મુદ્દે આવતીકાલે હાર્દિક પટેલ રાજકોટમાંથી જાહેરસભામાં સત્તાવાર જાહેરાત કરશે.