જમ્મુ કાશ્મીરના અનંતનાગના બિજબહેરામાં સુરક્ષા દળોની સાથે થયેલી ભીષણ અથડામણમાં આજે છ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. ઠાર થયેલા ત્રાસવાદીઓમાં પત્રકાર સુજાત બુખારીની હત્યામાં સામેલ રહેલો કુખ્યાત ત્રાસવાદી અજાદ મલિક પણ સામેલ છે. ત્રાસવાદીઓ પાસેથી જે હથિયારો મળ્યા છે તે ચોંકાવનાર છે. આ જથ્થો યુદ્ધ લડવા જેટલો જથ્થો છે. ઠાર થયેલા ત્રાસવાદીઓની ઓળખ કરી લેવામાં આવી છે. તોઈબાના ત્રાસવાદીઓ હોવાની વિગત સપાટી પર આવી છે. આ વર્ષે જુનમાં ત્રાસવાદીઓએ રાઈઝીંગ કાશ્મીરના એડિટર ઈન ચીફ સુજાત બુખારીની કારમાં જ ગોળી મારીને હત્યા કરી દીધી હતી. આજે મળેલી સફળતાની સાથે જ ભારતીય સેના અને પોલીસને મોટી સફળતા હાથ લાગી છે. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો અને હથિયારોના જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે. હજુ આ વિસ્તારમાં વધુ કેટલાક ત્રાસવાદીઓ છુપાયેલા હોઇ શકે છે.
જેથી જોરદાર ઓપરેશન હજુ ચાલી રહ્યુ છે. બિજબહેરાના સેકિપોરા વિસ્તારમાં ત્રાસવાદીઓ છુપાયા હોવાની માહિતી મળી હતી. માહિતી મળ્યા બાદ સેના અને જમ્મુ કાશ્મીર પોલીસ દ્વારા ઓપરેશન હાથ ધરવામાં આવ્યુ હતુ. ઠાર કરવામાં આવેલા ત્રાસવાદીઓની ઓળખ હજુ સુધી કરવામાં આવી નથી. ત્રાસવાદીઓ હાલમાં તેમની હાજરી પુરવાર કરવાના પ્રયાસ કરી રહ્યા છે. ત્રાસવાદીઓમાં હાલમાં સેના દ્વારા સતત હાથ ધરવામાં આવી રહેલા ઓપરેશનના કારણે ખળભળાટ મચી ગયો છે.
એક પછી એક મોટા ત્રાસવાદીઓને ઠાર કરવામાં આવી રહ્યા છે. ત્રાસવાદીઓ પર તેમના આકાઓ તરફથી હાજરી પુરવાર કરવા વધતા જતા દબાણ વચ્ચે વધુ હુમલા કરવાના પ્રયાસ ત્રાસવાદીઓ દ્વારા કરવામાં આવી રહ્યા છે. અત્રે નોંધનીય છે કે ગુરૂવારે કુલગામમાં સેનાના આરઆર કેમ્પ પર કરવામાં આવેલા હુમલા બાદ સેનાના જવાનોએ તરત જ કાર્યવાહી કરી હતી. જો કે ત્રાસવાદીઓ હુમલો કરીને ફરાર થઇ જવામાં સફળ રહ્યા હતા. પ્રાપ્ત માહિતી મુજબ ગુરૂવારે સવારે જમ્મુ કાશ્મીરના કુલગામમાં સ્કોસ્ટ રિસર્ચ સેન્ટર નજીક સેનાના કેમ્પ પર ત્રાસવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. સુરક્ષા દળોએ તરત જ જવાબી કાર્યવાહી કરી હતી. આ હુમલામાં એક સ્થાનિક નાગરિક ઘાયલ થયો હતો. સેના અને સુરક્ષા દળો દ્વારા જમ્મુ કાશ્મીરના જુદા જુદા વિસ્તારમાં હાથ ધરવામાં આવેલા ઓપરેશન ઓલઆઉટના કારણે હજુ સુધી લશ્કરે તોઇબા અને જૈશે મોહમ્મદના ખૂંખાર ત્રાસવાદીઓ સહિત સેંકડો ત્રાસવાદીઓને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યા છે. ત્રાસવાદી સંગઠનોની કમર તોડી દેવામાં આવી છે.જમ્મુ કાશ્મીરમાં અંકુશ રેખા નજીક મંગળવારના દિવસે પાકિસ્તાન તરફથી ફરી એકવાર યુદ્ધવિરામનો ભંગ કરને જોરદાર ગોળીબાર કરવામાં આવ્યો છે. ઉપરાંત શોપિયન જિલ્લામાં મંગળવારે જ ભીષણ અથડામણ થઇ હતી. આ અથડામણમાં ચાર કુખ્યાત ત્રાસવાદીઓ માર્યા ગયા હતા. ઠાર કરવામાં આવેલા ચાર ત્રાસવાદીઓની પાસેથી મોટી માત્રામાં વિસ્ફોટકો જપ્ત કરવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં એક જવાન પણ શહીદ થયો હતો. અન્ય બે જવાન ઘાયલ થયા હતા. પુચમાં સરહદ પારથી બ્રિગેડ હેડક્વાટર્સને ટાર્ગેટ બનાવીને ગોળીબાર કરવામાં આવ્યો હતો. શોપિયન જિલ્લાના નંદગામ વિસ્તારોમાં સુરક્ષા દળોને બેથી ત્રણ ત્રાસવાદીઓ છુપાયા હોવાન માહિતી મળી હતી. ત્યારબાદ સમગ્ર વિસ્તારને ઘેરી લઇને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જેમાં ચાર ત્રાસવાદીઓ ઠાર થયા હતા.પાકિસ્તાને વારંવાર ગોળીબાર કરીને સ્થિતીને ગંભીર અને વિસ્ફોટક બનાવવા માટેના પ્રયાસ કર્યા છે. તે પહેલા જમ્મુ કાશ્મીરના સોપિયનમાં જ રવિવારે અથડામણમાં સુરક્ષા દળોએ બે આતંકવાદીઓને ઠાર કરી દીધા હતા.
જમ્મુ કાશ્મીર પોલીસના કહેવા મુજબ ત્રાસવાદીઓ પાસેથી મોટી માત્રામાં હથિયારો અને વિસ્ફોટકોનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધારીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. માર્યા ગયેલા બે આતંકવાદીઓની ઓળખ સોપિયાના નવાઝવાગે અને પુલવામાના યાવરવાલી તરીકે થઇ હતી. સતત મોટી કાર્યવાહી અને મોટી સફળતા સેનાને મળી રહી હોવા છતાં ત્રાસવાદીઓ હજુ સક્રિય રહ્યા છે.
અંકુશ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ મારફતે ઘુસણખોરી કરવાના પ્રયાસ ચાલી રહ્યા છે. પાકિસ્તાની સૈના યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કરી રહી છે. ગોળીબાર મારફતે ત્રાસવાદીઓને ઘુસાડી દેવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે. હાલમાં ઘુસણખોરીના પ્રયાસો પાકિસ્તાની ત્રાસવાદીઓએ વધારી દીધા છે જે સંકેત આપે છે કે, આગામી દિવસોમાં મોટા ત્રાસવાદી હુમલા થઇ શકે છે.
હજુ પણ પાકિસ્તાનમાં સેંકડો ત્રાસવાદીઓ હાલમાં ઘુસણખોરીની તૈયારીમાં છે. પાકિસ્તાનમાં અંકુશ રેખાની નજીક ટ્રેનિંગ મેળવીને તૈયાર રહેલા ત્રાસવાદીઓ યોગ્ય તકની રાહ ઘુસણખોરી માટે જોઇ રહ્યા છે. આનુ કારણ એે છે કે પાકિસ્તાની સેના યુદ્ધવિરામનો ભંગ કરીને સતત ગોળીબાર કરે છે અને ભારતીય સેનાનુ ધ્યાન ભંગ કરીને તે ત્રાસવાદીઓને ભારતીય સરહદમાં ઘુસાડી દેવાની તેની રણનિતમાં સફળ થઇ જાય છે.ગઇકાલે હુમલામાં એક નાગરિકને પણ ઇજા થઇ હતી.