ગુજરાત વિધાનસભાની આગામી તા. ૯ મી ડીસેમ્બરના રોજ યોજાનાર પ્રથમ તબક્કાની બેઠકોની ચૂંટણી માટે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે કચ્છની માંડવી બેઠક માટે વિધાનસભાની કાયદાકીય બાબતોના અભ્યાસુ એવા શક્તિસિંહ ગોહિલની પસંદગી કરી છે. ત્યારે તેઓ તા. ૨૧ મી નવેમ્બર મંગળવારે પોતાના પક્ષના ટેકેદારો તેમજ બહોળા મિત્ર વર્તુળ અને શુભેચ્છકો સાથે સવારે ૧૧ઃ૦૦ કલાકે શાસ્ત્રી મેદાન, મુન્દ્રા ખાતે સંમેલનને સંબોધન કર્યા પછી પોતાનું ઉમેદવારી પત્ર ભરનાર છે. વિધાનસભાની પેટા ચૂંટણીમાં અબડાસા મતક્ષેત્રનું પ્રતિનિધિત્વ કરીને કચ્છના પાણી, ઘાંસચારો સહિતના પ્રાણ પ્રશ્નો વિધાન સભાના ફલક ઉપર રજુ કરવામાં અને તેને ઉકેલ લાવવામાં સફળ રહેલા શક્તિસિંહ ગોહિલને ફરી વખત કચ્છ અને ખાસ કરીને માંડવીની પ્રજાના કલ્યાણના પ્રશ્નો રજુ કરવાની તક સાંપડી છે તેનો સીધો લાભ કચ્છને મળશે. કચ્છને નર્મદાનું એક મીલીયન એકર ફીટ પાણી મળે તે માટે શક્તિસિંહ હંમેશા લડતા રહ્યા છે.
કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા અને ગુજરાતના આગવી હરોળના નેતા અને સ્પષ્ટ વક્તા તરીકે જાણીતા શક્તિસિંહ ગોહિલ કાયદાશાસ્ત્ર એલ.એલ.એમ. ની પદવી તેમજ સાયન્સ ગ્રેજ્યુએટ અને પત્રકારત્વની ડિગ્રી ધરાવે છે.
ખાસ કરીને માંડવી વિધાનસભા ક્ષેત્ર માટે તેમની પસંદગી થતા આ વિસ્તારને ઘણા વરસો બાદ સુરેશભાઈ મહેતા પછી એક શિક્ષિત,અનુભવી અને કોઇપણ પ્રશ્નોને ઊંડાણથી સમજી તેનો ઉકેલ લાવવાની સુજ સમજ ધરાવતા પ્રતિનિધિ મળ્યાનો આનંદ આમ સમાજમાં વ્યાપ્યો છે.