ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની બીજી ટી-૨૦ મેચ વરસાદના કારણે રદ કરવામાં આવી છે. ઓસ્ટ્રેલિયાએ ૧૯ ઓવરમાં ૭ વિકેટ ગુમાવી ૧૩૨ રન બનાવી લીધા હતા. આ સમયે વરસાદ પડતા ભારતને ડકવર્થ લુઇસ નિયમ પ્રમાણે છેલ્લે જીતવા માટે ૫ ઓવરમાં ૪૬ રનનો લક્ષ્યાંક મળ્યો છે. જોકે વરસાદ ચાલુ રહેતા મેચ રદ કરવામાં આવી હતી.
આ સાથે ઓસ્ટ્રેલિયા ત્રણ મેચની શ્રેણીમાં ૧-૦થી આગળ છે. શ્રેણીની ત્રીજી અને અંતિમ ટી-૨૦ મેચ ૨૫ નવેમ્બરે રમાશે.
સુકાની એરોન ફિન્ચ (૦) પ્રથમ ઓવરના બીજા જ બોલે આઉટ થતા શરુઆત ખરાબ રહી હતી. લિન (૧૩) અને શોર્ટ (૧૪) પર સારી શરુઆતને મોટા સ્કોરમાં ફેરવી ન શકતા અહમદનો શિકાર બન્યા હતા. મેક્સવેલ (૧૯), સ્ટોનિસ (૪) અને કેરી (૪) પણ સસ્તામાં આઉટ થતા ઓસ્ટ્રેલિયાએ ૭૪ રનમાં ૬ વિકેટ ગુમાવી દીધી હતી.
નીચલા ક્રમે મેકડ્રેમોટ (૩૨), કુલ્ટર નાઇલ (૨૦) અને ટાયે (૧૨) ઉપયોગી બેટિંગ કરી ટીમને ૧૩૨ના સ્કોર સુધી પહોંચાડ્યું હતું.
ભારત તરફથી ખાલિલ અહમદ અને ભુવનેશ્વરે ૨-૨ વિકેટ ઝડપી હતી. બુમરાહ, કુલદીપ અને ક્રુણાલને ૧-૧ વિકેટ મળી હતી.