જેમ જેમ ચૂંટણીની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ રાજકારણમાં ગરમાવો આવી રહ્યો છે. હાર-જીત પહેલા ટિકિટનું રાજકારણ ગરમાયું છે તેમાં ભાજપે પહેલા અને બીજા તબક્કાની ચૂંટણીના મળીને કુલ ૧૦૬ ઉમેદવારોની યાદી બે તબક્કામાં જાહેર કરી દીધી છે પરંતુ હજુ સુધી ગાંધીનગર જિલ્લાની પાંચ બેઠકોના નામ જાહેર કર્યા નથી તો બીજીબાજુ કોંગ્રેસ પણ અહીં દ્વિધામાં છે. જો કે, કોંગ્રેસ દ્વારી સીટીંગ એમએલએની ટિકિટ આપવા માટે હકારાત્મક વલણ અપનાવ્યું છે ત્યારે આવતીકાલથી ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રીગણેશ થઇ રહ્યા છે ત્યારે ભાજપ કે કોંગ્રેસે કોઇ નામ હજુ જાહેર નથી કર્યા તેવી સ્થિતિમાં તમામ સંભવીતો પોતાની દાવેદારીના દાવા કરી રહ્યા છે.
ગાંધીનગર જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક ઉપર બીજા તબક્કામાં એટલે કે, તા.૧૪મી ડિસેમ્બરે મતદાન થવાનું છે ત્યારે આવતીકાલથી ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ થઇ રહ્યો છે.
સોમવારથી ઉમેદવારી ફોર્મ ભરાવાના શ્રી ગણેશ થઇ રહ્યા છે તેમ છતા મુખ્ય રાજકીય પાર્ટી ગણાતી ભાજપ અને કોંગ્રેસે હજુ સુધી પોતાના ઉમેદવારો અહીંના પાંચેય બેઠક માટે જાહેર કર્યા નથી જે અચરજ પમાડે તેવી વાત છે. એક બાજુ ભાજપે ૭૦ અને ત્યાર બાદ ૩૬ એમ બે તબક્કામાં કુલ ૧૦૬ ઉમેદવારોના નામની યાદી જાહેર કરી દીધી છે અને આ ઉમેદવારોએ પોતાના વિસ્તારોમાં પ્રચાર કાર્ય પણ શરૃ કરી દીધું છે તો ઘણી જગ્યાએ વિરોધના વંટોળો પણ ઉઠયા છે તેમ છતા ગાંધીનગરની એક પણ બેઠક માટે ઉમેદવાર નક્કી કરવામાં આવ્યા નથી. એટલુ જ નહીં, કોઇ એક ઉમેદવારને ફોનથી પણ પક્ષે તૈયાર રહેવા માટે ઇસારો પણ કર્યો નથી તો બીજીબાજું જિલ્લો જેનો ગઢ માનવામાં આવે છે તે કોંગ્રેસ પણ આ વખતે દુધનો દાજ્યો છાસ પણ ફુંકી ફુંકીને પીવાની થિયરી ઉપર આગળ વધી રહી છે. કોંગ્રેસ દ્વારા હાલ તો એમએલએને રીપીટ કરવાની થિયરી ઉપર હકારાત્મક વલણ અપનાવવામાં આવ્યું હોય તેમ આંતરિક સુત્રોમાંથી માહિતી મળી રહી છે પરંતુ બાકી રહેલી ત્રણ બેઠકો માટે કોંગ્રેસ વધુ દ્વિધામાં હોય તેમ લાગી રહી છે. પ્રદેશ કોંગ્રેસથી દિલ્હી સુધી પ્રમુખ સહિત આગેવાનો ઉપરાંત પાસ, ઠાકોર સેના તેમજ દલિત એક્તા મંચ દોડધામ કરી રહ્યું છે પરંતુ કોઇ નિષ્કર્સ ઉપર વાત આવતી નથી તેવી સ્થિતિમાં કોંગ્રેસ પણ રવિવાર સાંજ સુધી સત્તવાર રીતે કોઇ નામની જાહેરાત કરી શકી નથી. ત્યારે સંભવીતો પોતાને ટિકિટ મળતી હોવાના દાવા છાતી ઠોકીને કરી રહ્યા છે.