ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે આવતીકાલે ટ્વેન્ટી શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચ રમાનાર છે. પ્રથમ મેચ જીત્યા બાદ યજમાન ઓસ્ટ્રેલિયા ૧-૦ની લીડ ધરાવે છે. જ્યારે બીજી મેચ વરસાદના કારણે રદ કરી દેવામાં આવી હતી. હવે નિર્ણાયક મેચ જીતવા માટે ભારતીય ટીમ પણ વધારે દબાણ છે. બંને ટીમો ધરખમ દેખાવ કરવા માટે તૈયાર છે. યજમાન ઓસ્ટ્રેલિયા શ્રેણી જીતવા માટે સજ્જ છે. મેલબોર્ન ખાતે ગઇકાલે રમાયેલી બીજી વન ટ્વેન્ટી મેચ વરસાદના કારણે આખરે રદ કરી દેવામાં આવી હતી. ત્રણ મેચોની શ્રેણીમાં ઓસ્ટ્રેલિયા ૧-૦ની લીડ ધરાવે છે. બીજી ટ્વેન્ટી મેચમાં વરસાદના કારણે એક ઈનિંગ્સની રમત જ શક્ય બની હતી. બ્રિસ્બેનના મેદાન પર ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી ટ્વેન્ટી શ્રેણીની પ્રથમ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારત ઉપર અતિરોમાંચક મેચમાં ડકવર્થ લુઇસ પદ્ધતિના આધારે ચાર રને જીત મેળવી હતી. જીતવા માટેના ૧૭ ઓવરમાં ૧૭૪ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ ૧૭ ઓવરમાં સાત વિકેટે ૧૬૯ રન કરી શકી હતી. ૨૧મી નવેમ્બરના દિવસે રમાયેલી મેચ જીતીને ઓસ્ટ્રેલિયાએ હવે તેમની વચ્ચે રમાયેલી કુલ મેચો પૈકી છ મેચો જીતી લીધી છે. વર્ષ ૨૦૧૫-૧૬ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન ભારતીય ટીમનો દેખાવ જોરદાર રહ્યો હતો. સ્ટાર બેટ્સમેન સ્ટિવ સ્મિથ, ડેવિડ વોર્નર હજુ સુધી ટીમની બહાર છે છતાં પણ ઓસ્ટ્રેલિયન ટીમે શાનદાર શરૂઆત કરી છે. બંને ટીમોમાં કેટલાક ફેરફાર કરવામાં આવે તેવી શક્યતા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણે મેચોની ટ્વેન્ટી સીરીઝ બાદ ભારત ચાર ટેસ્ટ મેચ અને ત્રણ વનડે મેચોની શ્રેણી રમનાર છે. ભારતે હજુ સુધી ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણી જીતી નથી. ત્રણ શ્રેણી ડ્રોમાં પરિણમી અને આઠમાં પરાજયનો સામનો કરવો પડ્યો હતો.