તાજેતરમાં નેપાળનાં કૈલાલી જિલ્લાનાં ટીકાપુર નગર ખાતે નેપાળ-ઈન્ડિયા ગુડવીલ કરાટે ચેમ્પિનયશીપનું આયોજન કરવામાં આવ્યું હતું.
ટીકાપુર નગર પાલિકા દ્વારા ઓલ ઈન્ડિયા વાડોકાઈ કરાટે-ડો એસોસીએશનની ગુજરાત બ્રાન્ચનાં સહયોગથી આ સ્પર્ધા યોજવામાં આવી હતી. જેમાં ગાંધીનગરનાં ખેલાડીઓએ ૧ર ગોલ્ડ અને ૧૬ સિલ્વર મેડલ્સ મેળવી ઈતિહાસ સર્જ્યો છે.
ભારતની ટીમમાં ગાંધીનગર નાં કુલ ર૬ ખેલાડીઓએ કુમીતે (ફાઈટ) અને રપ ખેલાડીઓએ કાતા ઈવેન્ટમાં ભાગ લીધો હતો. જેમાંથી ૪ ખેલાડીઓએ ફાઈટમાં અને ૮ ખેલાડીઓએ કાતા ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ્સ મેળવી ગાંધીનગરનું નામ રોશન કર્યું હતું. આ ઉપરાંત ૬ ખેલાડીઓ ફાઈટ માં અને ૧૦ ખેલાડીઓ કાતા ઈવેન્ટમાં ફાઈનલમાં પ્રવેશ મેળવવામાં સફળ રહ્યાં હતા. પરંતુ ફાઈનલ મુકાબલામાં તેઓ સફળ ન રહેતાં સિલ્વર મેડલ્સ મેળવી સંતોષ માનવો પડ્યો હતો.
ફાઈટમાં ગોલ્ડ મેડલ્સ મેળવનાર ખેલાડીઓમાં કુ. શિવાંગી આહિર, પ્રથમસિંહ બિહોલા, જયનીલ વાઘેલા અને યોગેશ વિશ્વકર્માનો સમાવેશ થાય છે. જ્યારે કાતા ઈવેન્ટમાં કુ. શિવાંગી આહિર, કુ. બંસરી ચાવડા, સુરજ ત્રિપાઠી, અથર્વ ત્રિવેદી, પવન ઠાકોર, અંકિત પંચાલ, મંથન મોઢ અને અલ્પેશ રાઠોડનો સમાવેશ થાય છે. આ તમામ ખેલાડીઓને રેન્શી ગૌરાંગ રાણા, રેન્શી શૈલેશ આહિર દ્વારા ફાઈટ-કાતાનું વિશેષ પ્રશિક્ષણ આપવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં ભારતની ટીમ કુલ ૩૪ ગોલ્ડ મેડલ્સ સાથે ચેમ્પિયન બની હતી. નેપાળની ટીમે ર૮ ગોલ્ડ મેડલ્સ મેળવીને દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું હતું. સ્પર્ધામાં ફાઈટ ઈવેન્ટમાં ૧૪૦ ભાઈઓ અને ૪૩ બહેનો મળીને કુલ ૧૮૩ ખેલાડીઓએ ભાગ લીધો હતો.