માણસા મકાખાડ રોડ પર આવેલ આનંદી મા નો વડલો જે તમામ પ્રકારની સેવાકીય પ્રવૃતિઓથી લોકોમાં આગવી ઓળખ ધરાવે છે. આજથી પિતૃઓના મોક્ષ અર્થે ભાગવત સપ્તાહનો પ્રારંભ થશે.
જેમાં ૧૦૦૮ યજમાનો ભાગ લેનાર છે. કથાને લઇને તમામ પ્રકારની તૈયારીઓ કરી દેવામાં આવી છે. આનંદી મા નો વડલો દ્વારા સર્વે પિતૃઓના મોક્ષ અર્થે આજથી પિતૃ મોક્ષાર્થે ભાગવત સપ્તાહનો પ્રારંભ થનાર છે. જેમાં થી ભાવનગરના સાવલી પંથકના પ્રસિદ્ધ યાત્રાધામ ચેહર જોગણી માતાજી ભાદરવા ધામના સેવક આચાર્ય નિકુંજ મહારાજ કથાનું રસપાન કરાવશે.
ઉલ્લેખનીય છે કે આચાર્યે કાશીધામમાંથી પીએચ.ડી.ની મેળવેલ છે. આ કથામાં ૧૦૦૮ યજમાનો તેમના પિતૃઓના મોક્ષ અર્થે બેસવાના છે અને તેના મુખ્ય યજમાન તરીકે માણસા ના કાંતિલાલ માશંકર વ્યાસ ના પરિવારજનો છે. ઘર આંગણે યોજાનાર ભાગવત સપ્તાહનું રસપાન કરવા માટે માણસા તેમજ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
ભાગવત સપ્તાહ લઇને અખંડ રામધૂનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઉપરાંત આજરોજ ભવ્ય શણગારેલી બગીઓમાં સતનો દરબાર એવા ચેહર જોગણી માતાનો મઢ ભાદરવાના રમેશ મહારાજ તેમજ વિજય મહારાજ સહિત અનેક સંતો-મહંતો અને વિવિધ ભજન મંડળીઓ પોથીયાત્રામાં સામેલ થઇ હતી.
સમગ્ર શહેરમાં પોથીયાત્રા નીકળી ત્યારે ઠેર ઠેર તેનું સ્વાગત કરવામાં આવ્યું હતું. પોથીયાત્રામાં હજારો ની જનમેદની જોડાતા ભક્તિમય વાતાવરણ બની ગયું હતું. શોભાયાત્રામાં ભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણી એ પણ હાજરી હતી.