તળાજા તાલુકાના દેવલી ગામે આજે બપોરના સમયે માતાની મદદથી પુત્રીએ ખેડુત આધેડ પિતાની ક્રુર હત્યા કરી લાશને ખાટલામાં નાખી સળગાવી દેવાની સનસનાટી ભરી ઘટના બનતા સમગ્ર દેવલી સહિત તળાજા પંથકમાં ચકચાર મચી જવા પામી છે. હત્યા કર્યા બાદ માતા-પુત્રી તળાજા પોલીસ મથકે હાજર થઈ ગયા હતાં.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ તળાજા તાલુકાના દેવલી ગામે રહેતા અને ખેતીવાડી કરી પત્નિ અને સંતાનોથી વિખુટા પંડી એકલા રહેતા જેરામભાઈ ગોરધનભાઈ જળેલા (ઉ.વ.૪૮)ની આજે રિસામણે રહેલી પત્નિ વસંતબેન તથા પુત્રી આરતી તેના ઘરે આવ્યા હતા અને જેરામભાઈ સાથે ઝઘડો કરીને પુત્રી આરીતે પિતાના માથા પર લાકડાનો જોરદાર ફટકો મારી લોહીયાળ ઈજા કરતા જેરામભાઈનું મોત થયેલ ત્યાર બાદ માતા-પુત્રીએ જેરામભાઈની લાશને ઘરના ફળીયામાં ખાટલામાં મુકી કેરોસીન તથા બળતણ નાખી સળગાવી દીધેલ અને સીધા તળાજ પોલીસ મથકે પહોંચી ગયેલ અને હતયા કર્યાનું જણાવતા પીએસઆઈ ગઢવી એફએસએલ સહિત ટીમને લઈને માતા-પુત્રી સાથે દેવલી ગામે ઘટના સ્થળે પહોંચ્યા હતાં. જેરામભાઈના લગ્ન વસંતબેન સાથે વિસેક વર્ષ પુર્વે થયા હતા અને તેમને પારિવારિકમાં મળેલી જમીનના કારણે દેવલી ગામે રહેવા આવ્યા હતા તેમને ૧ પુત્રી તથા બે પુત્ર મળી ૩ સંતાનો થયા હતા બાદમાં બન્ને પતિ-પત્ની વચ્ચે ઝઘડા થતા છેલ્લા પંદરેક વર્ષથી વસંતબેન પતિ જેરામભાઈને છોડી તેના પિયર અલગ ચાલ્યા ગયા હતાં. અને જેરામભાઈ દેવલી ખાતે ખેતી-વાડી કરી એકલવાયું જીવન ગુજારતા હતાં.
આજે સવારે વસંતબેન તથા તેની પુત્રી દેવલી ગામે આવ્યા હતા અને ફરી ઝધડો થતા પુત્રી આરતીએ માતા વસંતબેનની મદદથી પિતાની હત્યા કરી લાશને સળગાવી દઈ પોલીસ મથકમાં હાજર થયા હતાં. ત્યારે પીએસઆઈ ગઢવી સહિતનો સ્ટાફ દવલી ગામે ઘટના સ્થળે દોડી ગયો હતો. અને સ્થળ ઉપર વીડીયો રેકોર્ડીંગ કરવા ઉપરાતં એફએસએલની મદદથી લાશ સહિતના નમુનાઓ લઈ હત્યાનો ગુનો નોંધી લાશને પી.એમ. અર્થે ખસેડવામાં આવી હતી. ધોળા દિવસે નાનકડા એવા દેવલી ગામમાં ખેલાયેલા ખુની ખેલથી ગ્રામજનો સ્તબ્ધ થઈ ગયા છે. અને મકાન તથા જમીન માટે પુત્રીએ પિતાની હત્યા કરી હોવાની પ્રાથમિક ચર્ચાઓ સંભળાઈ રહી હોવાનું પણ જાણવા મળેલ છે. ત્યારે પિતાની હત્યા કર્યાનો સગી પુત્રીને કોઈ જાતનો અફસોસ ન હોય તેમ બિન્દાસ્ત જોવા મળતી હોવાનું પણ જાણવા મળેલ છે.
ભાવનગર શહેર -જિલ્લામાં ત્રણ દિવસમાં ચાર હત્યા
ભાવનગર શહેર જિલ્લામાં જાણે કે કોઈને પોલીસનો લેશ માત્ર ડર ન હોય તેમ હત્યા અને લૂંટના બનાવો બની રહ્યા છે. જેમાં છેલ્લા ત્રણ દિવસમાં ચાર હત્યા થવા પામી છે. જેમાં વલભીપુરના મોણપર ગામે દેવીપુજક દંપતિની હત્યા બાદ તે દિવસે રાત્રીના જ શહેરના કાળુભા રોડ પર તબીબના ચોકીદારની હત્યા કરી લૂંટનો બનાવ બાદ આજે ધોળા દિવસે તળાજાના દેવલી ગામે માતાની મદદથી પુત્રી દ્વારા પિતાની હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. જેના કારણે ભાવનગર જિલ્લાનો ગુના ખોરીનો ગ્રાફ ઉચકાવા પામ્યો છે.