મધ્યપ્રદેશ વિધાનસભા ચુંટણીમાં શિવરાજસિંહ સરકારથી ખેડુતોની નારાજગીના અહેવાલો વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે પ્રચાર કરવા મંદસોર પહોંચ્યા હતા. મોદીએ પોતાના ચુંટણી ભાષણમાં મોટાભાગે ધ્યાન ખેડુત ઉપર કેન્દ્રિત કર્યું હતું અને પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીનું નામ લઈને કોંગ્રેસ ઉપર પ્રહારો કર્યા હતા. મોદીએ આક્ષેપ કરતા કહ્યું હતું કે કોંગ્રેસ ખેડુતોની દેવા માફીનું વચન આપે છે. તેમણે કહ્યું હતું કે ઈન્દિરા ગાંધીએ પણ ગરીબી હટાવો, બેન્કોને ગરીબો સુધી લાવવાનું વચન આપ્યું હતું પરંતુ ૪૦ વર્ષ બાદ પણ તેમના વચનો આજે મોદી પુરા કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે હજુ તેમને માત્ર ચાર વર્ષનો ગાળો થયો છે. તેમણે ઉમેર્યું હતું કે કોંગ્રેસના શાસન કરતા અડધો સમય પણ મળશે તો કાયાકલ્પ થશે. ભાજપને જીત અપાવવા માટે અપીલ કરી હતી. મંદસોરમાં મોદીના પ્રવાસ પહેલા કોંગ્રેસે સોશિયલ મીડિયા પર પ્રહાર કર્યા હતા.
મધ્યપ્રદેશ કોંગ્રેસે સોશિયલ મીડિયા પર એક વીડિયો ટ્વીટ કરીને મોદીને મંદસોરમાં ખેડુતો પર થયેલી હિંસાની યાદ અપાવીને તેમની સરકર ઉપર પ્રહાર કર્યા હતા. મંદસોરમાં ખેડુતોના આંદોલન દરમિયાન ગોળીબારમાં ખેડુતોના મોત થયા હતા. મોદીએ પોતાની રેલીમાં પોતાની સરકારના ગાળા દરમિયાન ઉભી થઈ રહેલી પરિસ્થિતિ માટે પણ જુના કોંગ્રેસી શાસન ઉપર પ્રહાર કર્યા હતા. મોદીએ સોશિયલ મીડિયા પર કમલનાથના વાયરલ થયેલા વીડિયોનો પણ ઉલ્લેખ કર્યો હતો. જેમાં મધ્યપ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ મુસ્લિમોને વધારે મતદાન કરવા માટે અપીલ કરતા નજરે પડી રહ્યા છે. મધ્યપ્રદેશમાં મતદારોને પ્રભાવિત કરવા માટે મોદી મંદસોર પહોંચ્યા હતા. મોદીના ટાર્ગેટ ઉપર અહીં માત્ર કોંગ્રેસ પાર્ટી રહી હતી. રાહુલ ગાંધીના નામનો ઉલ્લેખ કર્યા વગર કહ્યું હતું કે કેટલાક લોકો આજકાલ જુઠ્ઠાણું ફેલાવી રહ્યા છે જેના કારણે દુવિધાભરી સ્થિતિ થઈ જાય છે. મંદસોરમાં મોદીએ ઉમેર્યું હતું કે કેટલાક લોકો દિન રાત જુઠ્ઠાણા ફેલાવતા રહે છે. ખોટુ બોલવામાં પણ દુવિધાભરી સ્થિતિ થઈ જાય છે. કેટલાક લોકો તો એસી રૂમમાં બેસીને ચુંટણીની દિશાનો અંદાજ મુકે છે. મંદસોરના લોકોને અપીલ કરતા મોદીએ કહ્યું હતું કે મધ્યપ્રદેશમાં તીવ્ર વિકાસની સ્થિતિ સર્જાઈ ગઈ છે. આ જારી રહે તે જરૂરી છે. અમારી સરકારની બદનામનીની પાછળ પણ કોંગ્રેસની નીતિઓ જવાબદાર રહી છે. જ્યારે તેમની રાજનીતિને અસર થઈ રહી છે ત્યારે આ લોકો હોબાળો મચાવી રહ્યા છે. હજુ અમને ચાર વર્ષનો ગાળો થયો છે. કોંગ્રેસનો અડધો સમય પણ મળી જશે તો પરિસ્થિતિઓને સંપૂર્ણપણે બદલી દેવામાં આવશે. સ્ટેચ્યુ ઓફ યુનિટીનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે જો સરદાર પટેલ દેશના પ્રથમ વડાપ્રધાન રહ્યા હોત તો કોંગ્રેસના ૫૦-૬૦ વર્ષના શાસનકાળમાં દેશના ખેડુતોની જે દુર્દશા થઈ છે તે ન થઈ હોત પરંતુ કોંગ્રેસની ખોટી નીતિઓની અસર આજે યુવા પેઢીના ખેડુતો ઉપર થઈ રહી છે. કોંગ્રેસે છેલ્લા ૫૫ વર્ષમાં શું કર્યું છે અને ભાજપે ૧૫ વર્ષના શાસન કાળમાં શું કર્યું છે તે અંગે સરખામણી કરવા મોદીએ તમામ મતદારોને કહ્યું હતું. પાંચથી છ દશકની ભુલોને સુધારવા માટે સમય પણ જોઈએ છે. કોંગ્રેસ ઉપર પ્રહાર કરતા મોદીએ કહ્યું હતું કે કોંગ્રેસના લોકો જ્યાં થાય છે ત્યાં ખોટા પ્રવચન કરતા રહે છે. ફાટેલા ખીસામાંથી કોઈપણ બાબતોનો ઉલ્લેખ કરતા રહે છે. છેલ્લી ચાર પેઢીઓમાં કોઈ વચન પુરા થઈ શક્યા નથી. નામદારના દાદી ઈન્દિરા ગાંધીએ ૪૦ વર્ષ પહેલા ગરીબી હટાવોનો નારો આપ્યો હતો પરંતુ ગરીબી હજુ દુર થઈ શકી નથી. લોકોને ગેરમાર્ગે દોરીને કોંગ્રેસના લોકો હજુ પણ વિશ્વાસઘાત કરી રહ્યા છે. મોદીએ કહ્યું હતું કે ગરીબોના કલ્યાણ માટે અને તેમના માટે બેન્કના દરવાજા ખોલવાના નામ ઉપર રાતોરાત ઈન્દિરા ગાંધીએ બેન્કોનું રાષ્ટ્રીયકરણ કર્યું હતું પરંતુ ૪૦ વર્ષ બાદ પણ અડધાથી વધુ લોકોના પણ બેન્ક ખાતા બન્યા ન હતા. આજે સ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. કોંગ્રેસ ઉપર વિભાજનવાળી રાજનીતિનો આક્ષેપ કરતા કહ્યું હતું કે સોશિયલ મીડિયા ઉપર જે વીડિયો છે તેનાથી ચિંતા ઉભી થઈ જાય છે. કોંગ્રેસ પાર્ટી માત્ર ખાસ ગ્રુપોના મત ઈચ્છે છે જે લોકશાહી માટે અપમાનજનક બાબત છે. મોદીએ કમલનાથ ઉપર પ્રહાર કરતા કહ્યું હતું કે કમલનાથ નામદારની ભાષા બોલી રહ્યા છે. કમલનાથ વર્ષોથી આ પરિવાર માટે કામ કરતા રહ્યા છે.