મહિલા ટી-૨૦ વિશ્વકપ ૨૦૧૮ની સેમીફાઇનલ મેચમાં ઇંગ્લેન્ડ વિરૂદ્ધ ભારતીય મહિલા ટીમની સીનિયર બેટ્સમેન મિતાલી રાજને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું ન હતું. હવે આ મામલાએ વિવાદના મધપૂડાને છંછેડ્યો છે. તેને લઇ બીસીસીઆઈના વહીવટકર્તાઓની સમિતિ (સીઓએ)એ આ ટૂર્નામેન્ટ દરમિયાન તેમની ફિટનેસ રિપોર્ટ માંગી છે. તેના સિવાય સીઓએ પણ જાણવા માંગે છે કે, સેમીફાઇનલ પહેલા ટીમની પસંદગી માટે જે મિટિંગ થઇ હતી, તે મીડિયામાં લિક કેવી રીતે થઇ. સીઓએ એ આ માટે બીસીસીઆઇના બે સીનિયર અધિકારીઓને આડે હાથ લીધા હતા, જેમા રાહુલ જૌહરી સિવાય બોર્ડના ચીફ એક્સક્યૂટિવ ઓફિસર પણ સામેલ હતાં.
હવે ભારતીય મહિલા ટીમના કોચ રમેશ પોવાર અને મેનેજર તૃપ્તિ ભટ્ટાચાર્ય સાથે રાહુલ જૌહરી સોમવારે સીઓએ સાથે મળશે, જેમા તેઓ પોતાની રિપોર્ટ તેમને સોંપશે. આ રિપોર્ટમાં ટી-૨૦ વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમના પ્રદર્શન વિશે સમગ્ર જાણકારી હશે. ઇંગ્લેન્ડ વિરૂદ્ધ સેમીફાઇનલ મેચમાં ભારતીય મહિલા ટીમની સૌથી સીનિયર બેટ્સમેન મિતાલી રાજને ડ્રોપ કરી દેવામાં આવી હતી અને આ મેચમાં ભારતને આઠ વિકેટે હારનો સામનો કરવો પડ્યો હતો.