ગાંધીનગર મેયર મામલે કોર્ટમાં બે મુદત બાદ આજે સુનાવણી હાથ ધરાઈ નિર્ણય આવે તેવી શકયતા છે. જાણકારોના મત મુજબ મેયરે જો ભાજપમાં વોટ નાખ્યો હશે તો કવર ખોલ્યા બાદ ડીસ્કવોલીફાઈ થવાની પુરી શકયતાઓ છે. તેવા સંજોગોમાં અંકિતના અપહરણ અને તેના મતાધિકારનો મુદો મહત્વનો બની રહેશે. જો કોર્ટ તેને માન્ય કરશે તો ભાજપ માટે ફરી એકવાર મુશ્કેલી ઉભી થવાની પુરી શકયતાઓ છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં નવા મેયરની ચુંટણી આમ તો ધનતેરશે યોજવામાં આવી હતી. પરંતુ ગુજરાતી કેલેન્ડર પ્રમાણે નવું વર્ષ પણ આવી ગયું પરંતુ હજુ સુધી તેમાં કોઈ નિવેડો આવ્યો નથી.
આજે ગુજરાત હાઈકોર્ટમાં હાલના મેયર સામેની પક્ષાંતરધારાની ફરિયાદ, કોંગી કોર્પોરેટરની ચૂંટણી રદ કરવાની તેમજ વિપક્ષના નેતાની ચૂંટણી ગેરબંધારણીય હોવા અંગેની તમામ ફરિયાદોની સુનાવણી હવે સોમવાર ઉપર મુલતવી રહી છે.
ગાંધીનગર મહાનગરપાલિકામાં ગત તા.પ નવેમ્બરે યોજાયેલી મેયર અને ડેપ્યુટી મેયરની ચૂંટણીનું પરિણામ હાલના મેયર પ્રવિણ પટેલનો મત સીલબંધ કવરમાં રાખવાના હાઈકોર્ટના આદેશના કારણે હજુ સુધી આ પરિણામ સત્તાવાર રીતે જાહેર થઈ શકયું નથી ત્યારે હજુ પણ શહેરીજનોને સોમવાર સુધી આ મામલે રાહ જોવી પડશે.
તો તેની સાથે વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ બિહોલા દ્વારા મેયરની ચૂંટણી ગેરબંધારણીય હોવા અંગે હાઈકોર્ટમાં કરાયેલી ફરિયાદ તેમજ કોંગી કોર્પોરેટર અંકિત બારોટ દ્વારા આ ચૂંટણી રદ કરવા સંદર્ભેની તમામ ફરિયાદોની સુનાવણી હવે સોમવારે હાથ ધરાશે. તો એક પછી એક પડી રહેલી મુદતોના કારણે આ કોકડું વધુ ગુચવાવાના એંધાણ પણ વર્તાઈ રહયા છે.