કચ્છના પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલની ૨૦૧૭ના દુષ્કર્મ કેસમાં અંતે દિલ્હીમાં ધરપકડ કરાઇ છે. ઉત્તર દ્વારકા પોલીસ મથકમાં પોલીસ દ્વારા પૂછપરછ માટે જ્યારે છબીલ પટેલ ત્યાં પહોંચ્યા ત્યારે તેમની ધરપકડ કરાઇ હતી. ધરપકડ બાદ તેમને કોર્ટમાં રજૂ કરાયા હતા અને ત્યારબાદ જામીન પણ મળ્યા હતા.
ગયા મહિને એક મહિલાએ પૂર્વ ધારાસભ્ય પર બળજબરી કરવાનો આરોપ લગાવ્યો હતો. મહિલાની મુલાકાત આરોપી સાથે એક સમારંભ દરમ્યાન થઇ હતી. આરોપીએ મહિલાને પોતે રાજનેતા હોવાનું અને પોતાની કમાણીના ૨૦ ટકા ગરીબોના કલ્યાણ માટે ખર્ચતા હોવાનું જણાવ્યું હતું. મહિલાએ લગાવેલા આરોપ મુજબ તેને એક એનજીઓ બનાવવામાં મદદ કરવાની વાત કહી દિલ્હી લાવવામાં આવી હતી. ફેબ્રુઆરી-૨૦૧૭માં દ્વારકામાં તેને ચામાં નશીલો પદાર્થ પીવડાવી તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તેના અશ્લિલ ફોટા પણ પાડવામાં આવ્યા હતા અને તેના આધારે તેને બ્લેકમેલ કરાતી હતી. જ્યારે મહિલાએ વિરોધ કર્યો તો આરોપીએ આ અશ્લિલ ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દેવાની અને સાથે-સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ આખો મામલો જ્યારે સામે આવ્યો ત્યારે છબીલ પટેલે ખોટી ફરિયાદ થયાનું કહ્યું હતું.