ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતા ભરત પંડ્યાએ પૂર્વ ધારાસભ્ય લાલજીભાઈ મેરના પક્ષ છોડવા અંગે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, કોઈ પોતાનો વ્યકિગત સ્વાર્થ સાધવા માટે બીજાને બદનામ કરવાનો પ્રયાસ કરતો હોય છે. જે વ્યક્તિ પહેલાં કોંગ્રેસ, અપક્ષ, ભાજપ અને ફરીથી ભાજપ છોડીને ત્રણ-ચાર વાર પક્ષપલટો કરે અને હવે તે ભાજપના અખંડ અને નિષ્ઠાવાન કાર્યકર્તાઓ ઉપર જૂઠ્ઠા આક્ષેપો કરે છે, તે હાસ્યાસ્પદ છે. ભાજપે તેમને ધારાસભ્ય બનાવ્યાં અને હવે ભાજપ સામે જૂઠ્ઠા આક્ષેપો કરે છે. ભરત પંડયાએ જણાવ્યું હતું કે, સતત ૩૦ વર્ષથી ભાજપની વિચારાધારા સાથે કામ કરનારો હું ભાજપનો અખંડ સૈનિક છું, મારા શરીર, મન, બુદ્ધિ અને આત્મા સાથે મારી સંપૂર્ણ શક્તિ માત્ર ભાજપની પ્રગતિ અને પ્રતિષ્ઠા માટે વાપરૂં છું. તે પાર્ટીના લાખો કાર્યકર્તાઓને ખબર છે.
ભરત પંડયાએ જણાવ્યું કે, મારે લાલજીભાઈ મેરને કશું વ્યક્તિગત કહેવું નથી. એટલું યાદ કરાવું છું કે ૨૦૧૧માં કૈલાસ માનસરોવર ખાતે ૨૦૧૨ની ચુંટણી નહીં લડવાનો નિર્ણય કર્યો હતો. આ અગાઉ ત્રણ-ચાર ચૂંટણીઓ હારી જનાર લાલજીભાઈને ૨૦૧૨માં જીતાડવા સંપૂર્ણ શક્તિથી કામ કર્યું હતું અને સૌ પ્રથમવાર તેઓ જીત્યાં હતાં. હવે ૨૦૦૯ની ચુંટણી સમયના જૂઠ્ઠા આક્ષેપો છેક ૨૦૧૮માં કેમ કરે છે? અને ભાજપ સરકારની શ્રેષ્ઠ કામગીરી બાબતે હવે જૂઠ્ઠા આક્ષેપો કેમ કરે છે? તે સમજાતું નથી. પરંતુ પાર્ટી છોડનારને “દુઃખે છે પેટ અને કૂટે છે માથું” આ જનતા બધું જાણે છે.