રાજસ્થાનના અલવરમાં ઝંઝાવતી ચૂંટણી પ્રચાર કરતા મોદીએ આજે કોંગ્રેસ પાર્ટી ઉપર પ્રહારો કર્યા હતા. સાથે સાથે અયોધ્યામાં રામમંદિર નિર્માણને લઇને ચાલી રહેલી ઝુંબેશનો મુદ્દો ઉઠાવ્યો હતો.
અલવર રેલીમાં મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસ ન્યાયિક પ્રક્રિયામાં અડચણો આપી રહી છે. કોંગ્રેસી નેતાઓએ જ સુપ્રીમ કોર્ટમાં રામમંદિર પર સુનાવણી ટાળી દેવા માટે કહ્યું હતું. કોંગ્રેસી નેતા અને વરિષ્ઠ વકીલ કપિલ સિબ્બલે સુન્ની વક્ફ બોર્ડ તરફથી ઉપસ્થિત થઇને સુપ્રીમ કોર્ટમાં ૨૦૧૯ની ચૂંટણી સુધી મંદિર મુદ્દા પર સુનાવણીને ટાળી દેવા માટે અપીલ કરી હતી.
મોદીએ સાફ શબ્દોમાં કહ્યું હતું કે, કોંગ્રેસ જાતિવાદને ફેલાવવામાં લાગેલી છે. અયોધ્યાનો ઉલ્લેખ કરતા મોદીએ કહ્યું હતું કે, મહાભિયોગ અને ઇન્પીચમેન્ટની વાત કરીને કોંગ્રેસ પાર્ટી જજોને પણ ડરાવે છે. મોદીએ સ્વતંત્રરીતે કામ કરવા તમામ જજોને પણ અપીલ કરી હતી. ભયભીત થયા વગર પોતાની કામગીરી અદા કરવા અપીલ કરી હતી.
મોદીએ કહ્યું હતું કે, કોંગ્રેસમાં વિકાસની વાત કરવાની હિંમત નથી જેથી કોંગ્રેસ પાર્ટી જાતિના મુદ્દા ઉઠાવે છે. મોદીએ પોતાની રેલીમાં કહ્યું હતું કે, જ્યારે અયોધ્યાનો કેસ ચાલી રહ્યો હતો ત્યારે કોંગ્રેસી નેતા અને રાજ્યસભા સાંસદે કહ્યું હતું કે, ૨૦૧૯ સુધી કેસ ચલાવવામાં ન આવે. કારણ કે ૨૦૧૯માં ચૂંટણી છે. ન્યાય તંત્રને પણ રાજનીતિમાં ખેંચવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જ્યારે સુપ્રીમ કોર્ટના કોઇ જજ અયોધ્યા જેવા ગંભીર સંવેદનશીલ મામલામાં દેશને ન્યાય અપાવવાની દિશામાં તમામને સાંભળવા માટે ઇચ્છુક હતા ત્યારે કોંગ્રેસના રાજ્યસભા સાંસદ અને વકીલ સુપ્રીમ કોર્ટના ન્યાયમૂર્તિઓની સામે મહાભિયોગ લાવીને તેમને ડરાવી રહ્યા હતા. કોંગ્રેસે હવે ન્યાયમૂર્તિઓને ડરાવવા ધમકાવવાનો નવો ખેલ શરૂ કર્યો છે. મોદી કોઇપણ જગ્યાએ જન્મે તો રાજસ્થાનના ભવિષ્યને તેનાથી કોઇ અસર થાય છે કે કેમ તેવો પ્રશ્ન કરતા વિરાટ સભામાં મોદીએ જાતિવાદના ઝેરને ફેલાવવાના કોંગ્રેસ ઉપર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે જ્યારે બોલાવાની તક આવે છે ત્યારે કોંગ્રેસના રાજદરબારી શાંત થઇ જાય છે. તેમના મૂળ સ્વભાવ તેમના વાણી અને સ્વભાવમાં દેખાઈ આવે છે. જાતિવાદમાં ડૂબેલા લોકો છે. ગરીબો અને દલિતો પ્રત્યે નફરત તેમનામાં દેખાઈ આવે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા બાબાસાહેબના સમયથી જ ખોટી ભાષાનો ઉપયોગ કરતા રહ્યા છે. બાબા સાહેબને ભારતરત્ન આપવામાં કોંગ્રેસની જાતિવાદની માનસિકાત દેખાઈ હતી. મોદીએ કહ્યું હતું કે, ૨૦૧૩માં અલવર સાથે જ તેમની શરૂઆત થઇ હતી અને આજે ફરી અવલરથી જ રાજસ્થાન ચૂંટણી પ્રચારની શરૂઆત કરી રહ્યા છે. અહીંના નજારાને જોઇને કોંગ્રેસી લોકોની ઉંઘ હરામ થઇ ગઈ હશે. તેમણે કહ્યું હતુ ંકે, રાજસ્થાનની પરંપરા એક વખતે ભાજપ અને એક વખતે કોંગ્રેસની રહી છે પરંતુ ભૈરોસિંહ શેખાવતને અહીંની પ્રજાએ સતત બે વખત તક આપી હતી. તેમણે ઉમેર્યું હતું કે, વસુંધરાની અવધિ અને તેમની કામગીરીને પડકાર ફેંકવાની કોંગ્રેસના નેતાઓમાં હિંમત નથી. વિકાસના મુદ્દા ઉપર ચર્ચા કરવાની હિંમત કોંગ્રેસ પાર્ટીમાં નથી જેથી માતા-પિતાને વચ્ચે લાવીને આક્ષેપબાજી કરવામાં આવી રહી છે.
મોદીએ કહ્યું હતું કે, જ્યારે અમે મંડળ કમિશનને બંધારણીય દરજ્જો અપાવવા માટે સંસદમાં લાવ્યા ત્યારે કોંગ્રેસે અડચણો ઉભી કરી હતી. ખુબ મુશ્કેલથી અમે આ બિલને પાસ કરાવી શક્યા હતા. કોંગ્રેસના લોકો તેમની માતાને ગાળો આપી રહ્યા છે જે યોગ્ય નથી. જ્યારે ગુજરાતની ચૂંટણી થઇ ત્યારે પણ તેમની જાતિને લઇને પ્રહાર કરવામાં આવ્યા હતા. કોંગ્રેસની માનસિકતાની વાત કરતા તેમણે કહ્યું હતું કે, એક કાર્યક્રમમાં ભારત માતાની જય બોલવાના બદલે સોનિયા ગાંધીના નારા લગાવવામાં આવ્યા હતા.