અમદાવાદ અને ગાંધીનગર એમ બે શહેરોને આગામી સમયમાં પ્રદૂષણ મુકત કરવાની જાહેરાતના બે દિવસ બાદ આજે અમદાવાદ શહેરના એરપોર્ટ તેમજ પીરાણા વિસ્તારોમાં સૌથી વધુ એરકવોલીટી ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ ૩૨૯ અને પીરાણા ખાતે ૩૨૪ જેટલો એરકવોલીટી ઈન્ડેકસ નોંધાવા પામ્યો છે.અમદાવાદ શહેરના વિવિધ દસ જેટલા વિસ્તારોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત કરવામા આવેલા એરકવોલીટી મોનીટરીંગ સ્ટેશનો અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કાર્યરત કરવામા આવેલી
સફર એપ્લીકેશન દ્વારા જારી કરવામા આવેલી આંકડાકિય વિગતો પ્રમાણે આજે અમદાવાદ શહેરમાં સવારના ૧૦ કલાકે શહેરના એરપોર્ટ વિસ્તારમાં સૌથી વધુ પ્રદૂષણ જોવા મળ્યુ હતુ.એરપોર્ટ વિસ્તારમાં એરકવોેલીટી ઈન્ડેકસ ૩૨૯ જેટલો નોંધાવા પામ્યો હતો.આ સાથે જ શહેરના પીરાણા વિસ્તારમાં કે જયાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ઘનકચરાની મુખ્ય ડમ્પસાઈટ આવેલી છે આ વિસ્તારમાં એરકવોલીટી ઈન્ડેકસ ૩૨૪ જેટલો નોંધાવા પામ્યો હતો.આ સાથે જ શહેરના નવરંગપુરા વિસ્તારમાં સવારના દસ કલાકે એરકવોલીટી ઈન્ડેકસ ૨૫૦ નોંધાવા પામ્યો હતો.શહેરના બોપલ વિસ્તારમાં ૨૪૨,જયારે સેટેલાઈટ વિસ્તારમાં ૨૨૭ જેટલો એરકવોલીટી ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.અમદાવાદના પૂર્વ વિસ્તારમાં આવેલા રખીયાલ વિસ્તારમાં સવારના સુમારે ૨૨૧ જેટલો એરઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.જયારે શહેરના અન્ય વિસ્તારો રાયખડ,ચાંદખેડા ખાતે ૧૩૫થી ૧૩૯ જેટલો એર ઈન્ડેકસ નોંધાવા પામ્યો હતો.આવતીકાલે ૨૦ નવેમ્બરના રોજ પણ એરપોર્ટ,પીરાણા અને નવરંગપુરા જેવા વિસ્તારોમાં પ્રદૂષણની માત્રા વધુ જોવા મળશે એમ સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળ્યુ છે. દરમિયાન હવામાં રહેલા પ્રદૂષણને કારણે ચામડીના રોગ,આંખ બળવાથી લઈને કેન્સર સુધીના રોગ પણ લાંબાગાળે થઈ શકે છે.એમ તબીબોનુ કહેવુ છે.
હવામા તરતા કણ પરથી નકકી કરાય છે માત્રા…
અમદાવાદ શહેરના વિવિધ ૧૦ જેટલા સ્થળોએ એરકવોલીટી મોનીટરીંગ સ્ટેશન હવામાં રહેલા પ્રદૂષણની માત્રા માપવા માટે કાર્યરત કરવામા આવ્યા છે.આ માપન જે તે વિસ્તારમાં હવામા રહેલા કાર્બન ડાયોકસાઈડ,કાર્બન મોનોકસાઈડ વગેરેના કણોની માત્રા ઉપરથી પ્રદૂષણની માત્રા નકકી કરવામા આવતી હોય છે.શુન્યથી સો સુધીની માત્રા સારી માનવામા આવતી હોય છે.જયારે ૨૦૦થી ૩૦૦ અને ૩૦૦થી ઉપરના આકને ખુબ ખરાબ માનવામાં આવે છે.