ઇન્ડોનેશિયાના જકાર્તામાં ગયા મહિને સર્જાયેલા વિમાન અકસ્માતમાં જીવ ગુમાવનાર ભારતીય પાયલટ ભવ્ય સુનેજાના મૃતદેહની ઓળખ કરી લેવામાં આવી છે. વિદેશી મંત્રી સુષ્મા સ્વરાજે ટ્વીટ કરી તેની માહિતી આપી હતી. તેમણે કહ્યું હતું કે ઇન્ડોનેશિયન અધિકારીઓએ કેપ્ટન ભવ્ય સુનેજાના મૃતદેહની ઓળખ કરવાની પુષ્ટિ કરી દીધી છે. જકાર્તામાં ભારતીય રાજદૂતની હાજરીમાં તેમના પરિવારના મૃતદેહને સોંપાશે.
૨૯મી ઑક્ટોબરના રોજ ઇન્ડોનેશિયાના જકાર્તાથી પાંકલ પિનાંગ શહેર જઇ રહેલ લૉયન એરનું વિમાન ઉડાન ભર્યાની ૧૩ મિનિટ બાદ દરિયામાં ક્રેશ થઇ ગયું હતું. તેમાં તમામ ૧૮૯ લોકોના મોત થયા બતા. તેમાં ત્રણ બાળકો સહિત ૧૮૧ પેસેન્જર, બે પાયલટ અને છ અન્ય ક્રૂ મેમ્બર્સ હતા. વિમાન સંપર્ક તૂટનાર જગ્યાથી લગભગ બે નોટિકલ માઇલ (૩.૭ કિલોમીટર)ના અંતર પર કારાગાંવની ખાડીમાં ક્રેશ થયું હતું.