આમ આદમી પાર્ટીના કન્વીનર અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે આજે કહ્યું હતું કે, છેલ્લા ત્રણ વર્ષના ગાળામાં તેમના દરેક નિર્ણયની કેન્દ્ર સરકાર દ્વારા ચકાસણી કરવામાં આવી છે. છતાં પણ કોઇપણ પ્રકારની ગેરરીતિ પકડમાં આવી નથી. કોઇપણ ખોટા કામ દેખાયા નથી. આમ આદમી પાર્ટી સરકારની ઇમાનદારીના આ પુરાવા છે. તેમને ઇમાનદારીના આ પ્રમાણપત્ર નરેન્દ્ર મોદી પાસેથી મળ્યા છે. આમ આદમી પાર્ટીની સ્થાપનાના છઠ્ઠા વર્ષના પ્રસંગે પાર્ટી ઓફિસમાં કાર્યકરોને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, ત્રણ વર્ષના ગાળામાં સરકારે જેટલા પણ નિર્ણય લીધા હતા તેની સાથે જોડાયેલી તમામ ૪૦૦ ફાઇલો મોદીએ અમારી સામે કોઇ ગેરરીતિ શોધી કાઢવા માટે મંગાવી હતી જેના ઉપર તેમના હસ્તાક્ષર થયેલા છે પરંતુ કોઇ બાબત સપાટી ઉપર આવી નથી.
તેમને ઇમાનદારીનું આ પ્રમાણપત્ર વડાપ્રધાન પાસેથી મળી ગયું છે. દિલ્હી સરકારની ઇમાનદારીનો ઉલ્લેખ કરતા કેજરીવાલે કહ્યું હતું કે, આજે દિલ્હીની પ્રજા કહે છે કે, અમારા મુખ્યમંત્રી ઇમાનદાર છે. તેઓ દેશની જનતાને પુછવા માંગે છે કે, દેશના વડાપ્રધાન પણ ઇમાનદાર છે કે કેમ તે અંગે કહી શકાય છે કે કેમ. દિલ્હી સરકારના સાડા ત્રણ વર્ષના કામોને ઐતિહાસિક ગણાવતા તેમણે કહ્યું હતું કે, ગુજરાતના મુખ્યમંત્રી જ્યારે મોદી હતા ત્યારે મોદીએ ૧૨ વર્ષમાં જેટલું કામ કર્યું હતું તેનાથી પણ ખુબ વધારે કામ દિલ્હીની આમ આદમી સરકારે ત્રણ વર્ષમાં કર્યા છે. મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, બંધારણીય દિવસના એક જ દિવસ આમ આદમી પાર્ટીની રચના થવાની બાબત કોઇ સંજોગ નથી. આ એક નિયતિનો ઇશારો છે. દેશમાં બંધારણ ઉપર આજે ખતરો છે. આ ખતરાથી દેશને મુક્તિ અપાવવા માટે કોઇપણ પાર્ટી સક્ષમ નથી. તમામ પક્ષો મજબૂતી સાથે ઉભા રહે તે જરૂરી છે.