ઇરાનમાં આજે ફરી એકવાર પ્રચંડ તીવ્રતા સાથે ભૂકંપ આવવાના કારણે લોકોમાં વ્યાપક દહેશત ફેલાઇ ગઇ હતી. અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવામાં આવી હતી. ધરતીકંપના કારણે ઓછામાં ઓછા ૮૦૦ લોકો ઘાયલ થયા હતા જે પૈકી કેટલાકની હાલત ગંભીર જણાવવામાં આવી છે. વ્યાપક નુકસાનના હેવાલ પણ મળી રહ્યા છે. ધરતીકંપની તીવ્રતા ૬.૩ આંકવામાં આવી છે. ઇરાનની ઇરાક સરહદ પર પશ્ચિમી વિસ્તારોમાં આંચકાનો અનુભવ થયો હતો.
કેરમનશાહ પ્રાંતના સરપોલ જે જહાબ વિસ્તારમાં સૌથી વધારે અસર જવા મળી હતી. તેનુ કેન્દ્ર જમીનથી દસ કિલોમીટર નીચે રહ્યુ હતુ. જો કે ઇરાનના ટેલિવીઝન ચેનલ દ્વારા કહેવામાં આવ્યુ છે કે જમીનથી પાંચ કિલોમીટર નીચે તેનુ કેન્દ્ર હતુ. આ ધરતીકંપના કારણે વધારે નુકસાન થયુ હોવાના દાવા પણ કરવામાં આવી રહ્યા છે. ઇરાનના સાત પ્રાંતમાં તેની અઇસર જોવા મળી હતી.
સ્થાનિક વહીવટીતંત્રના કહેવા મુજબ બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી ચુકી છે. અસરગ્રસ્ત વિસ્તારમાં બચાવ ટીમો પહોંચી ચુકી છે. ઘાયલ થયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ઇરાન દુનિયાના સૌથી વધારે ધરતીકંપ પ્રભાવિત વિસ્તાર તરીકે છે. આ ક્ષેત્રમાં નવેમ્બર ૨૦૧૭માં આવેલા ધરતીકંપમાં ૬૦૦થી વધારે લોકોના મોત થયા હતા. સાથે સાથે હજારો લોક ઘાયલ થયા હતા. આજે સવારે આવેલા ધરતીકંપ બાદ ફરી એકવાર આ વિનાશકારી ધરતીકંપની યાદ તાજી થઇ ગઇ હતી. ૭૧૬ લોકો સત્તાવારરીતે ઘાયલ થયા હોવાના સમાચાર મળ્યા છે પરંતુ મોતના અહેવાલને સમર્થન મળ્યું નથી. ૬.૪ની તીવ્રતાના આંચકા બાદ ૫.૨ની તીવ્રતા સાથે વધુ આંચકા આવ્યા હતા. ઇરાન બે મોટા ટેકટોનિક પ્લેટ ઉપર સ્થિત છે જેના કારણે અહીં વારંવાર ભૂકંપના આંચકા આવતા રહે છે. અહીં વારંવાર સેસમિક એક્ટિવિટી સક્રિય રહે છે. વર્ષ ૨૦૦૩માં ૬.૬ની તીવ્રતાના આંચકાથી પ્રાચીન શહેર બામ સંપૂર્ણપણે નાશ પામ્યું હતું. અહીં ૩૧૦૦૦ લોકોના મોત થયા હતા. જ્યારે ૧૯૯૦માં અહીં ૭.૪ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેમાં ૪૦૦૦૦ના મોત થયા હતા. ત્રણ લાખ લોકો ઘાયલ થયા હતા.
લાખો લોકો ઘરવગરના થયા હતા. ગયા વર્ષે નવેમ્બર મહિનામાં પણ ૭.૩ની તીવ્રતાનો આંચકો આવ્યો હતો જેમાં ૬૨૦થી વધુ લોકોના મોત થયા હતા અને હજારો લોકો ઘાયલ થયા હતા. ઇરાનની રેડક્રોસ સોસાયટીના અધિકારીઓનું કહેવું છે કે, પ્રથમ આંચકાના કારણે લોકોમાં ભાગદોડ મચી જવાથી મોટાભાગના લોકો ઘાયલ થયા છે. હોસ્પિટલમાં સારવાર માટે ૩૩થી વધુ લોકોને એક જ જગ્યાએ ખસેડવામાં આવ્યા હતા. આંચકાના કારણે અનેક મકાનો ધરાશાયી થઇ ગયા હતા. ઇરાકના પાટનગર બગદાદમાં પણ આંચકા અનુભવાયા હતા.