પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પ્રચાર ચરમસીમા ઉપર છે. છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી માટે મતદાનની પ્રક્રિયા પરિપૂર્ણ થઇ ચુકી છે. ચૂંટણી પ્રચારમાં હાલના દિવસોમાં સૌથી વધારે ચર્ચા જાતિ અને ધર્મને લઇને રહી છે. બીજા એક કોંગ્રેસી નેતાએ વડાપ્રધાન મોદીની જાતિ ઉપર ટિપ્પણી કરી છે. ભાજપે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ધર્મને લઇને પ્રશ્નો ઉઠાવ્યા છે. રાહુલ ગાંધી આજે રાજસ્થાનના પ્રવાસમાં રહ્યા હતા. સૌથી પહેલા તેઓએ અજમેર જઇને ખ્વાજા મોઇનુદ્દીન ચીસ્તીની દરગાહ ઉપર ચાદર ચડાવી હતી. ત્યારબાદ પુષ્કરમાં જગતપિતા બ્રહ્માજીના મંદિરમાં પહોંચ્યા હતા. આ ગાળા દરમિયાન તેઓએ જુદી જુદા વિષયો ઉપર વાત કરી હતી.રાહુલ ગાંધીએ આજે પોતાના ધર્મને લઇને પણ વાત કરી હતી. પુષ્કરમાં દર્શન કરતી વેળા ત્યાંના પુજારીએ કોંગ્રેસ પ્રમુખને તેમના ગૌત્રને લઇને પ્રશ્ન કર્યો હતો. રાહુલ ગાંધીએ આજે તરત જવાબ આપ્યો હતો. રાહુલે કહ્યું હતું કે, તેઓ કૌલ કાશ્મીરી બ્રાહ્મણ છે. દત્તાત્રેય તેમના ગૌત્ર તરીકે છે. ત્યારબાદ પુજારીએ મંદિરમાં પૂજા કરાવી હતી. પુજારીએ વાતચીત દરમિયાન આ અંગેની વાતચીત કરી હતી. રાહુલ ગાંધીએ હાલના દિવસોમાં મંદિર મંદિર જઇને ભાજપ ઉપર પ્રહારો કર્યા છે.
બીજી બાજુ ભાજપે તેમના જનોઇધારી હોવાને લઇને પ્રશ્નો કર્યા છે. કેટલીક વખત ગૌત્રને લઇને પ્રશ્નો કર્યા છે. મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર દરમિયાન ભાજપ પ્રવક્તા સંબીત પાત્રાએ પત્રકાર પરિષદ દરમિયાન રાહુલ ગાંધીને પ્રશ્ન કરતા કહ્યું હતું કે, રાહુલ જનોઇધારી છે. જો રાહુલ જનોઇધારી છે તો આપના ગોત્રને લઇને પણ લોકો પ્રશ્ન પુછે છે. સોફ્ટ હિન્દુત્વની દિશામાં રાહુલ ગાંધી આગળ વધી રહ્યા છે. ઉજ્જૈનમાં મહાકાળ મંદિરમાં જઇને પણ રાહુલે પૂજા કરી હતી. ગુજરાત વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાહુલે જુદા જુદા મંદિરોમાં દર્શન કર્યા હતા. તેને લઇને રાહુલ ઉપર પ્રશ્નો કરવામાં આવ્યા હતા. આજે પુષ્કરના મંદિરમાં દર્શનની સાથે સાથે અજમેર શરીફની દરગાહ ઉપર પહોંચીને ચાદર ચઢાવી હતી. મન્નત પણ માંગી હતી. તે વખતે તેમની સાથે કોંગ્રેસી નેતા અશોક ગેહલોત અને સચિન પાયલોટ પણ હતા. એક જ દિવસે બંને ધાર્મિક સ્થળો ઉપર જઇને કોંગ્રેસે રાજસ્થાનના બે મોટા સમુદાયને પોતાની તરફેણમાં કરવાના પ્રયાસ કર્યા છે.
રાહુલે પોખરણમાં જઇને ચૂંટણી સભા સંબોધી હતી અને ભાજપ ઉપર પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું હતું કે, રાજસ્થાનના યુવાઓએ દેશને અહીં સુધા પહોંચાડ્યું છે. મોદી તમામનું અપમાન કરી રહ્યા છે. મોદી કહે છે કે, તેમના આવતા પહેલા દેશમાં કોઇ વિકાસ કામો થયા ન હતા. મોદી કહે છે કે, ભારત તેમના પહેલા એક સ્લિપિંગ જોઇન્ટ તરીકે હતી. પહેલા મોદી જ્યાં જતા હતા ત્યાં બે કરોડ નોકરી, ખેડૂતોને યોગ્ય કિંમતો અને ભ્રષ્ટાચારની વાત કરતા હતા પરંતુ હવે તેમના ભાષણમાં રોજગાર, ખેડૂતોને યોગ્ય કિંમતો અને ભ્રષ્ટાચારની વાત થતી નથી. રાહુલે કહ્યું હતું કે, રાજસ્થાનમાં તેમની સરકાર બન્યા બાદ ૧૦ દિવસની અંદર કોંગ્રેસ ખેડૂતોના દેવાને માફ કરશે. દુનિયાની કોઇપણ શક્તિ આ બાબતને બદલી શકે નહીં.