બોટાદ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા આજે જિલ્લા કલેકટર સુજીત કુમારની ઉપસ્થિતિમાં ભારતીય બંધારણના આમુખનું વાંચન કરી “બંધારણ દિવસ” ની ઉજવણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા સેવા સદન ખાતે કાર્યરત થયેલ તમામ કચેરીઓના અધિકારીઓ તથા કર્મચારીઓએ ઉપસ્થિત રહી ભારતીય બંધારણના આમુખનું સમુહમાં વાંચન કર્યું હતું.
અત્રે ઉલ્લેખનિય છે કે, ભારતની સંવિધાન સભામાં ૨૬ નવેમ્બર, ૧૯૪૯ ના રોજ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી અર્પિત કરવામાં આવ્યો હતો. જેમાં ભારતના લોકો ભારતને એક સાર્વભૌમ સમાજવાદી બિનસાંપ્રદાયિક લોકતંત્રાત્મક તરીકે સંસ્થાપિત કરવાનો તથા તેના સર્વ નાગરિકોને સામાજિક, આર્થિક અને રાજકિય ન્યાય વિચાર, અભિવ્યકિત, માન્યતા, ધર્મ અને ઉપાસનાની સ્વતંત્રતા, દરજ્જા અને તકની સમાનતા પ્રાપ્ત થાય તેમ કરવાનો અને તેઓ સર્વમાં વ્યકિતનું ગૌરવ અને રાષ્ટ્રની એકતા અને અખંડતા સુદ્રઢ કરે એવી બંધુતા વિકસાવવાનો ગંભીરતાપૂર્વક સંકલ્પ કરવામાં આવ્યો છે. જે આમુખનું જિલ્લા સેવા સદનના ઉપસ્થિત તમામ અધિકારી – કર્મચારીઓએ સમુહમાં વાંચન કર્યું હતું.