શહેરના જમનાકુંડ નજીક રહેતી મેમણ મહિલા સમીમબાનુ ઉસ્માનગનીના મકાનમાં ગત રાત્રિના છ શખ્સોએ ઘુસી મહિલા ઉપર હુમલો કરી ઘરમાં તોડફોડ કરી રૂા.ર હજારની લૂંટ ચલાવી નાસી છુટ્યાની સી ડીવીઝન પો.સ્ટે.માં નોંધાવાયેલી ફરિયાદ બાદ આજે મેમણ સમાજ દ્વારા હુમલો અને લૂંટના વિરોધમાં ઈન્ચાર્જ એસ.પી.ને આવેદનપત્ર આપી આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરવામાં આવી હતી.
બનાવ અંગેની વિગતો પ્રમાણે જમનાકુંડ વિસ્તારમાં રહેતી સમીમબાનુ ઉસ્માનગનીના મકાનમાં ગતરાત્રિના ખંડણીની ફરિયાદ પાછી ખેંચી લેવાની માંગણી સાથે અજુ, અબુ તથા ૪ અજાણ્યા મળી કુલ છ શખ્સો ઘુસી આવ્યા હતા અને ઘરમાં પ્રવેશ કરી તોડફોડ કરી મહિલા પર હુમલો કરી ઈજા કરવા ઉપરાંત ર હજારની લૂંટ ચલાવી નાસી છુટ્યા હતા. આ અંગે રાત્રિના સમીમબાનુએ સી ડીવીઝન પો.સ્ટે.માં ૬ શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી.
આ બનાવ બનતા સ્થાનિક લોકો તેમજ મેમણ સમાજના આગેવાનો સમીમબાનુના નિવાસે દોડી ગયા હતા. દરમ્યાન આજે મેમણ સમાજના આગેવાનો દ્વારા ઈન્ચાર્જ એસ.પી. સૈયદને આવેદનપત્ર આપ્યું હતું અને હુમલો તથા લૂંટ ચલાવનાર શખ્સો સામે કડક કાર્યવાહી કરવા માંગણી કરી હતી.