ભારતીય મહિલા વનડે ક્રિકેટ ટીમના કેપ્ટન મિતાલી રાજે મંગળવારે સીઓએ સભ્ય ડાયના એડુલ્જી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે, આ સાથે તેણે મહિલા ટીમના મુખ્ય કોચ રમેશ પોવાર પર આરોપ લગાવતા કહ્યું કે, પૂર્વ ક્રિકેટરે તેને અપમાનિત કરી છે. મહિલા વર્લ્ડ ટી૨૦માં ઈંગ્લેન્ડ વિરુદ્ધ સેમિ ફાઇનલ મેચ પહેલા ટીમની બહાર બેસાડવામાં આવેલ મિતાલીએ મૌન તોડતા કહ્યું કે, એડુલ્જીએ તેની વિરુદ્ધ પદનો ફાયદો ઉઠાવ્યો છે.
૩૫ વર્ષીય મિતાલીને વેસ્ટ ઈન્ડિઝમાં રમાયેલી વર્લ્ડ ટી૨૦માં સતત અડધી સદી ફટકારવા છતા સેમિ ફાઇનલમાં તક ન અપાઇ જે મેચમાં ભારતનો આઠ વિકેટે પરાજય થયો હતો. મિતાલીએ બીસીસીઆઈ સીઈઓ રાહુલ જૌહરી અને ક્રિકેટ ઓપરેશન જનરલ મેનેજર સબા કરીમને પત્ર લખીને પોતાનો પક્ષ રાખ્યો છે.
મિતાલીએ લખ્યું, ૨૦ વર્ષના લાંબા ક્રિકેટ કરિયરમાં પ્રથમવાર મને ખુબ દુખ અને નિરાશાનો અનુભવ થઈ રહ્યો છે. મને તે વિચારવા પર મજબૂર કરવામાં આવી કે દેશ માટે મારી સેવા સત્તામાં બેઠેલા કેટલાક લોકો માટે મહત્વ રાખે છે જે મને બરબાદ કરવા અને મારો આત્મવિશ્વાસ તોડવામાં લાગેલા છે.