રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે ભાજપે આજે ઘોષણાપત્ર જારી કર્યું હતું. રાજસ્થાનના મુખ્યમંત્રી વસુંધરા રાજે અને કેન્દ્રીયમંત્રી અરુણ જેટલીએ સંકલ્પપત્ર જારી કરીને માહિતી મેળવી હતી. આ પ્રસંગે વસુંધરા રાજેએ કહ્યું હતું કે, અમારી સરકારે છેલ્લા પાંચ વર્ષમાં અનેક મોટા કામ કર્યા છે. અનેક જગ્યાએ ૫૦-૫૦ વર્ષના કામની સરખામણીમાં રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષમાં વધુ કામ થયા છે. રાજસ્થાન સરકારે અગાઉના ઘોષણાપત્રમાં આપેલા વચનો પૈકી ૯૫ ટકા વચનો પૂર્ણ કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતા વસુંધરાએ કહ્યું હતું કે, રાજશ્રી યોજના હેઠળ બાળકીના જન્મ ઉપર આર્થિક સહાયતા અને ત્યારબાદ કોલેજથી નિકળતા જ ૫૦ હજાર રૂપિયાની સહાયતા આપવામાં આવે છે.
બાળકીઓ માટે શિક્ષણમાં પણ અમારુ ધ્યાન છે. અમે તેમને સ્કુટી અને લેપટોપ આપી રહ્યા છીએ. રેશનિંગ વિતરણ માટે મશીનોનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. બાળકોને ભણાવવા માટે સહાયતા ઉપરાંત વૃદ્ધ લોકોને પેન્શન અને આરોગ્ય વિમા યોજનાનો લાભ આપવામાં આવશે. રાજેએ શિક્ષણ અને રોજગારને લઇને કહ્યું હતું કે, શિક્ષામાં રાજસ્થાન ૨૬માં નંબરે હતું.
આજે દેશમાં બીજા નંબર ઉપર છે. પાંચ વર્ષમાં આશરે ૧૩ લાખ લોકો સરકારી સ્કુલમાં પરત ફર્યા છે. પાંચ વર્ષમાં સાત મેડિકલ કોલેજ અને બે કૌશલ્ય વિકાસ કેન્દ્રોખોલવામાં આવ્યા છે. ૧૧૦૦ આઈઆઈટી આ પાંચ વર્ષોમાં ખોલવામાં આવ્યા છે. તમામ ક્ષેત્રોમાં વિકાસ થયો છે. શિક્ષાને અમારી સરકારે હંમેશા પ્રાથમિકતા આપી છે. ભામાશા યોજનાના આરોગ્ય લાભ પણ કરોડો લોકોને મળ્યા છે. ખેડૂતોને મળી રહેલા લાભની માહિતી આપતા રાજેએ કહ્યું હતું કે, ખેડૂતો માટે ૫૦૦૦૦ રૂપિયાની લોન માફી કરવામાં આવી છે જેનો લાભ આશરે ૩૦ લાખ ખેડૂતોને મળ્યો છે. ખેડૂતોના પંપના બિલને ઓછું કરવાનું કામ કરાયું છે. આના ઉપર ૧૦૦૦૦ સુધીની સબસિડી આપવામાં આવી છે. કોઇ દુર્ઘટનાની સ્થિતિમાં ખેડૂતોને મળનાર હજુ સુધીના ૫૦૦૦૦ રૂપિયાના વિમાની રકમને ભાજપે સરકારે ૧૦ લાખ સુધી કરી દીધી છે. રાજસ્થાનના મૂળભૂત માળખાને મજબૂત ગણાવતા કહ્યું હતું કે, રાજ્યમાં માર્ગો અને વિજળી પાણીના મુદ્દા ઉપર ખુબ કામ થયું છે. પાંચ હજાર કરોડ રૂપિયા રાજસ્થાન કેનાલ યોજના ઉપર મુકવામાં આવ્યા છે. ઇસ્ટર્ન કેનાલ ઉપર પણ કામ કરવામાં આવ્યું છે. જેના લીધે અલવર સુધી પાણી પહોંચશે. ૧૩ જિલ્લાઓને આનો લાભ મળશે. સરકારે ૧૫ લાખ યુવાનોને રોજગારી આપી છે. સાથે સાથે ૪૨ લાખ લોકોને રોજગારીની તક પણ આપવામાં આવી છે. ભવિષ્યની યોજના કેવી રહેશે ેતના ઉપર વાત કરતા વસુંધરાએ કહ્યું હતું કે, રાજસ્થાનના દરેક જિલ્લામાં એક યોગ ભવન બનાવવામાં આવશે. રોજગાર સંબંધી કેન્દ્ર બનાવવામાં આવશે. ૨૧ વર્ષથી ઉપરના શિક્ષિત બેરોજગારોને પાંચ હજાર રૂપિયા પ્રતિ મહિને બેરોજગારી ભથ્થા આપવામાં આવશે. ગ્રામિણ વિસ્તારોમાં નરેગાની જેમ શહેરી રોજગાર યોજના સાથે જોડાયેલી કાનૂન બનાવવામાં આવશે. આગામી દિવસોમાં અરબ સાગરનું પાણી રાજસ્થાન થઇને જશે.