જેની ઉત્સુકતાપૂર્વક રાહ જોવામાં આવી રહી હતી તે મધ્યપ્રદેશમાં હાઇવોલ્ટેજ અને હાઇપ્રોફાઇલ મતદાન માટેનો તખ્તો હવે ગોઠવાઇ ગયો છે. બુધવારના દિવસે મધ્યપ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન થશે. મધ્યપ્રદેશની ચૂંટણીમાં હવે મતદાન પર તમામની નજર છે. છત્તિસગઢમાં આ પહેલા ચૂંટણીના બંને તબક્કામાં રેકોર્ડ મતદાન થયા બાદ ચૂંટણી પંચ અહીં પણ ઉંચા મતદાનની ખાતરી કરવા માટે તૈયાર છે. મધ્યપ્રદેશમાં કુલ પાંચ કરોડ ચાર લાખ ૯૫ મતદારો છે. આ તમામ મતદારો ૨૩૦ વિધાનસભા માટે ચૂંટણી મેદાનમાં રહેલા ૨૮૯૯ ઉમેદવારોના ભાવિનો ફેંસલો કરવા માટે સંપૂર્ણ પણે તૈયાર છે. શાંતિપૂર્ણ મતદાનની ખાતરી કરવા માટે તમામ તૈયારી ચૂંટણી પંચે કરી લીધી છે. ભાજપે સૌથી વધારે તમામ ૨૩૦ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. જ્યારે કોંગ્રેસે ૨૨૯ અને બહુજન સમાજવાદી પાર્ટીએ ૨૨૭ સીટો પર પોતાના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે. આમ આદમી પાર્ટીએ ૨૦૮ ઉમેદવારોને ટિકિટ આપી છે. સમાજવાદી પાર્ટી ૫૧ સીટો પર ચૂંટણી મેદાનમાં છે. પૂર્વ પ્રધાન અરૂણ યાજવ આ વખતે મુખ્યપ્રધાન શિવરાજ સિંહ ચોહાણની સામે ચૂંટણી મેદાનમાં છે.
મધ્યપ્રદેશમાં ગઇકાલે સોમવારના દિવસે ચૂંટણી પ્રચારનો અંત આવી ગયો હતો. મધ્યપ્રદેશમાં ભાજપ અને કોંગ્રેસે તમામ તાકાત લગાવી દીધી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ભાજપ પ્રમુખ અમિત શાહ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મધ્યપ્રદેશમાં ઝંઝાવતી પ્રચાર કર્યો હતો. તમામ રાજકીય પક્ષોએ તમામ તાકાત લગાવી દીધી હતી. મધ્યપ્રદેશમાં ૨૩૦ સભ્યોની વિધાનસભા છે . ભાજપ અને કોંગ્રેસ ઉપરાંત અન્ય રાજકીય પક્ષોએ પણ પુરતી તાકાત લગાવી હતી. ચૂંટણી પ્રચાર દરમિયાન આ વખતે અનેક સંવેદનશીલ મુદ્દા ઉઠાવવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશમાં શાસનવિરોધી પરિબળો મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ સામે તકલીફ ઉભી કરી શકે છે. છેલ્લા ત્રણ અવધિથી શિવરાજસિંહ છે આવી સ્થિતિમાં કોંગ્રેસની સ્થિતિ સારી દેખાઈ રહી છે.
મધ્યપ્રદેશ અને મિઝોરમમાં એક જ તબક્કામાં બુધવારના દિવસે મતદાન થયા બાદ રાજસ્થાન અને તેલંગાણામાં મતદાન થશે. આ બંને રાજ્યોમાં ૭મી ડિસેમ્બરના દિવસે મતદાન થશે. રાજસ્થાનમાં ૨૦૦ અને તેલંગાણામાં ૧૧૯ વિધાનસભા સીટો માટે મતદાન થશે. તમામ પાંચ રાજ્યોની મતગણતરીની પ્રક્રિયા ૧૧મી ડિસેમ્બરના દિવસે યોજાશે. રાજસ્થાનમાં વડાપ્રધાન મોદીએ આજે ભીલવાડામાં સભા યોજી હતી. મોડેથી તેઓ અન્યત્ર પણ સભા કરનાર છે. રાહુલ ગાંધીએ આજે અજમેર તથા પોખરણમાં ચૂંટણી પ્રચાર કર્યો હતો.મધ્યપ્રદેશની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ પાર્ટી માટે ખુબ જ પ્રતિષ્ઠિત બની ગઇ છે. પ્રચાર વેળા બંને પાર્ટીએ એકબીજાને પછડાટ આપવા માટે તમામ પ્રયોગ કર્યા હતા. વડાપ્રધાન મોદી અને કોંગ્રેસ પ્રમુખ રાહુલ છેલ્લી ઘડી સુધી પ્રચારમાં રહ્યા હતા.