જિલ્લાના ત્રણ લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસનો વનમંત્રીના હસ્તે પ્રારંભ

869

આજથી સમગ્ર રાજયમાં શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ થયો છે. ગાંધીનગર જિલ્લામાં આ કાર્યક્રમનો આરંભ રાજયના વન, આદિજાતિ વિભાગના મંત્રી ગણપતભાઇ વસાવાના હસ્તે વડોદરા ગામની પ્રાથમિક શાળામાં દીપ પ્રગાટય કરીને કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ આજથી તા. ૦૧ ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધી ચાલું રહેશે. જેમાં ગાંધીનગર જિલ્લાના આશરે ૩ લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસ કરાશે. કલોલના સોજા ગામની પ્રાથમિક શાળામાં નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના મંત્રી શ્રી જયેશકુમાર રાદડિયાએ આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા.

શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમને ખુલ્લો મુકી વન મંત્રી ગણપતભાઇ વસાવાએ જણાવ્યું હતું કે, સમગ્ર રાજયમાં મુખ્ય મંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્ય મંત્રી નિતીનભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમનો આરંભ થયો છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજયના નવજાત શિશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો, ધોરણ-૧ થી ૧૨ માં અભ્યાસ કરતાં અને ૧૮ વર્ષ સુધીના શાળાએ ન જતાં બાળકોને ૪ ડી પ્રમાણે આરોગ્યની તપાસ કરાવવામાં આવે છે. રાજયની ભાવિ પેઢીને તંદુરસ્ત બનાવી તેમનામાં આરોગ્યપ્રદ ટેવોનું નિર્માણ કરી સ્વસ્થ ગુજરાતના નિર્માણ માટે સ્વસ્થ બાળકના ધ્યેય સાથે આ કાર્યક્રમનો આરંભ કરવામાં આવ્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત ગતૂ વર્ષ ગાંધીનગર જિલ્લામાં ૩ લાખ ૧૨ હજારથી વધુ બાળકોની આરોગ્યની તપાસ કરવામાં આવી હતી. જેમાંથી ૨૨,૭૯૮ વધુ બાળકોને સ્થળ પર સારવાર અને ૧૪૬૪ બાળકોને સંદર્ભ સેવા આપવામાં આવી હતી. તે ઉપરાંત જરૂરિયાત વાળા ૧૩૫૦ બાળકોને ચશ્મા વિતરણ કરવામાં આવ્યા હતા. ગંભીર જીવલેણ બિમારીઓ વાળા ૮૦ હદય રોગના, ૨૭ કિડનીની બિમારી અને ૪ કેન્સરવાળા બાળકોને રાજય સરકારે સારંવારનો ખર્ચે ઉઠાવી આ કાર્યક્રમ થકી વાલી જેવી ભૂમિકા અદા કરી હતી.

ગાંધીનગર જિલ્લાના સી.ડી.એચ.ઓ ર્ડા. એમ.એસ.સોંલકીએ જણાવ્યું હતું કે, આ વર્ષે શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ અંતર્ગત ૧૧૦૬ આંગણવાડીઓના ૮૩,૦૪૫ બાળકો, ૭૯૨ પ્રાથમિક શાળાના ૧,૭૦,૮૬૪ બાળકો, ૨૩૨ માઘ્‌યમિક શાળાના ૫૨,૯૧૩ વિધાર્થીઓ અને ૨૯ અન્ય સંસ્થાઓના ૩૫૪૦ બાળકો તથા શાળાએ ન જતાં ૮૧૬ બાળકો મળી કુલ- ૩,૧૧,૧૧૭૮ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવશે. શાળા આરોગ્ય સપ્તાહ દરમ્યાન ૧૪૧ ર્ડાકટરોઅને પેરા મેડિકલ તથા અન્ય સ્ટાફ મળી કુલ- ૮,૧૪૪ લોકો કાર્યરત રહેશે.તેની સાથે ઇન્ડિયન મેડિકલ એસોસીએશન સંગઠનના તબીબો પણ આ કાર્યક્રમમાં જોડાશે. જિલ્લાના આરોગ્ય કર્મીઓને સેટકોમના માધ્યમ દ્વારા આ અભિયાન અંગેની જરૂરી તાલીમ આપવામાં આવી છે.

Previous articleગૃહ રાજયમંત્રી પ્રદિપસિંહ જાડેજાને કેન્સર : આઈસીયુમાં સારવાર હેઠળ
Next articleદહેગામ પંથકના ૩૦ તળાવોમાં પાણી ભરવા કિસાન સંઘ અને ખેડૂતો મેદાને