દહેગામ અને તલોદ. બન્ને તાલુકાને જોડતી સુજલામ્ સુફલામ્ની પાઈપ લાઈન થકી દર વર્ષે આશરે ૩૦ જેટલા તળાવો ભરવામાં આવતા હતા પરંતુ આ વર્ષે સમય પસાર થઇ ગયો હોવા છતાં તળાવો ભરવાનું શરૂ કરવામાં ન આવતાં ખેડૂતોએ વાવેતર કરેલા પાક સુકાવાની સ્થિતિમાં આવી ગયો છે. આખરે આ પંથકના ખેડૂતો અને કિસાન સંઘ દ્વારા સત્વરે તળાવો ભરવાની માંગ સાથે દહેગામ મામલતદાર અને દહેગામના ધારાસભ્યને આવેદનપત્ર આપી તાત્કાલીક અસરથી તળાવોમાં પાણી ભરવાની માંગ કરી છે.
આ અંગે મળતી માહિતી મુજબ દહેગામ તાલુકાના અનેક ગામડાઓની સાથે સાથે તલોદ તાલુકાના જે ગામોના તળાવો દર વર્ષે સુજલામ્ સુફલામની જલુન્દ્રાથી માધવગઢ પાઈપ લાઈનથી ભરવામાં આવે છે તે આ વર્ષે હજુ સુધી ભરવામાં આવ્યા નથી. જેના લીધે ખેડૂતો માટે ખેતીપાકોમાં સિંચાઈનો પ્રશ્ન વિકટ બન્યો છે. દર વર્ષે શિયાળુ સિઝન માટે છેલ્લા આઠ વર્ષથી ર૧-૧૦ થી ૩૦-૩ સુધી સતત તળાવો ભરવાની કામગીરી સમયાંતરે કરવામાં આવતી હતી. બાદમાં ખેડૂતો ડિઝલ મશીનથી લિફ્ટ કરી ખેતીમાં પિયત આપતા હતા. પરંતુ ચાલુ વર્ષે સરકાર દ્વારા તળાવોમાં પાણી ભરવાની કામગીરી શરૂ કરાવવામાં આવી ન હોવાથી ખેડૂતોની મુશ્કેલીઓ વધી જવા પામી છે. કિસાન સંઘના જિલ્લા પ્રમુખ ગાભુભાઈ ચૌધરીના જણાવ્યા અનુસાર સરકાર દ્વારા ૧ર મી નવેમ્બર સુધી પાણી આપવાની જાહેરાત કરાઈ હતી જેને લઈ ખેડૂતોએ શિયાળુ સિઝન માટે વાવેતર કર્યું હતું પરંતુ હાલ પાણીની અછતના લીધે વાવેતર કરેલ પાકો સુકાઈ રહ્યા છે. પાણીથી સત્વરે તળાવો ભરવામાં આવશે નહીં તો ખેડૂતોના હાલ બેહાલ બની જશે અને ખેડૂતો દેવાદાર બનશે તે દિવસો પણ હવે દૂર નથી, ત્યારે સત્વરે તળાવોમાં પાણી ભરી ખેડૂતોની મુશ્કેલીઓ દૂર કરવા માંગ ઉઠી છે