બારદાનના અભાવે વડાલીમા ત્રણ દિવસથી મગફળીની ખરીદી બંધ

767

ગુજરાત સરકારે મોટા ઉપાડે ટેકાના ભાવે મગફળી ખરીદવાની જાહેરાત કરી હતી. તા. ૧૫મી નવેમ્બરની રાજ્યની ખરીદી કેન્દ્રો પરથી મગફળી ખરીદવાનો પ્રારંભ કરાતા કેટલાંક ખરીદી કેન્દ્રો પર બારદાન સહિતની અવ્યવસ્થાના મુદ્દે હોબાળો મચી ગયો હતો. ત્યારે સાબરકાંઠા જિલ્લાના વડાલીના ખરીદી કેન્દ્ર પર છેલ્લા ત્રણ દિવસથી બારદાનના અભાવે મગફળીની ખરીદી બંધ કરી દેવાઈ છે. જેના કારણે ખેડૂતો રઝળી રહ્યા છે. ગામડાઓમાં ભાડા ખર્ચીને મગફળી યાર્ડમં લાવ્યા બાદ પરત લઇ જવાની નોબત આવતા અસંતોષ વ્યાપ્યો છે.

રાજ્યમાં તા. ૧૫ નવેમ્બરથી નિર્ધારિત કરેલા ખરીદી કેન્દ્રો પરથી મગફળી ખરીદીનો પ્રારંભ કરાયો હતો. જેમાં વડાલીમાં પ્રથમ દિવસે બારદાનના અભાવે મગફળીની ખરીદી થઇ શકી ન હતી. અને બિજા દિવસથી મગફળી ખરીદવાનો પ્રારંભ કરાયો હતો.

વડાલી તાલુકાનાં મગફળી માટે ૧૪૦૦ ખેડૂતોએ અત્યાર સુધીમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે અને ગોકળ ગાયની ગતિએ નાગરીક પુરવઠા વિભાગ દ્વારા મગફળી ખરીદાતી વડાલી કેન્દ્ર પરથી અત્યાર સુધીમાં માત્ર ૧૪૪ ખેડૂતોની ૨૫૪૦ ક્વિન્ટલ મગફળી ખરીદાય છે.

તંત્ર દ્વારા ધીમી ગતિએ મગફળીની ખરીદીથી ખેડૂતોમાં રોષ વ્યાપ્યો છે. જેના લીધે ખેડૂતોને સમય અને નાણાંનો વ્યય થઇ રહ્યો છે.

ખરીદી કેન્દ્ર પરના અધિકારીઓએ જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસથી બારદાન ન હોવાથી મગફળી ખરીદી શકાય નથી. કેન્દ્ર પર અત્યાર સુધીમાં ૮૬૦૦ બારદાન અપાયા છે.

જો કે બારદાનના અભાવે ખેડૂતો મગફળી સાથે પરત જઇ રહ્યા છે. ખરીદી કેન્દ્ર પર બારદાન સહિતની અવ્યવસ્થા ખેડૂતો ત્રાહીમામ પોકારી ગયા છે.

વડાલી પુરવઠા અધિકારી જાગૃતિબહેન ચૌહણએ જણાવ્યું હતું કે, બારદાન અંગે કલેકટર કચેરીમાં જાણ કરી છે અને પુરવઠા વિભાગે બારદાન માટે વ્યવસ્થા કરી છે.

Previous articleદહેગામ પંથકના ૩૦ તળાવોમાં પાણી ભરવા કિસાન સંઘ અને ખેડૂતો મેદાને
Next articleભાજપને ફટકો : ભાજપના પૂર્વ ધારાસભ્ય સુદરસિંહ અને લાલજી મેર કોંગ્રેસમાં જોડાયા