બોટાદ જિલ્લામાં ૧.૯૦ લાખથી વધુ શાળાના બાળકોની આરોગ્ય તપાસ થશે

899

બોટાદ ખાતે શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત બાળકોની તબીબી ચકાસણી અભિયાનનો આજે ઉર્જા મંત્રી સૌરભભાઈ પટેલે શુભારંભ કરાવ્યો હતો. આ પ્રસંગે બોટાદ સ્થિત યોગીરાજ વિદ્યામંદિર ખાતે યોજાયેલ કાર્યક્રમમાં ઉદ્દબોધન કરતાં મંત્રી સૌરભભાઈ પટેલે જણાવ્યું હતુ કે, રાજ્ય સરકારે શાળા પ્રવેશોત્સવ અને ગુણોત્સવની સાથે ગુજરાતના બાળકોના આરોગ્યની ચિંતા કરીને તેમના માટે આરોગ્ય તપાસણી રૂપી મહાઅભિયાન આરંભ્યુ છે. જે અન્વયે બોટાદ જિલ્લાના ૧.૯૦ લાખથી વધુ બાળકોના આરોગ્યની તપાસણી કરાશે.

આ અભિયાન અંતર્ગત બોટાદ જિલ્લામાં ૧૩ જેટલી ટીમો બનાવીને નવજાત શીશુ થી ૬ વર્ષના આંગણવાડીના બાળકો તથા ધોરણ ૧ થી ૧ર માં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓ તેમજ શાળાએ ન જતાં બાળકોની આરોગ્ય તપાસ અને સારવાર કરવામાં આવશે. તેમણે ઉમેર્યું હતુ કે, શાળા આરોગ્ય તપાસણી અભિયાન કાર્યક્રમ અંતર્ગત બાળકોની આરોગ્ય તપાસ ઉપરાંત સ્થળ ઉપર સારવાર, જરૂર જણાયે સિવિલ હોસ્પિટલ કે સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં વિવિધ રોગોના નિષ્ણાંત ડોકટરોની સંદર્ભ આરોગ્ય સેવા, ચશ્મા વિતરણથી માંડીને તંદુરસ્તી માટેનું જરૂરી એવું આરોગ્ય શિક્ષણ પણ બાળકોને આપવામાં આવશે તેમજ બાળકોને હ્રદય, કીડની અને કેન્સર જેવી ગંભીર બિમારીમાં ઝડપી સારવાર મળી રહે તે માટે “સુપર સ્પેશ્યાલીટી” સારવાર વિના મૂલ્યે આપવામાં આવે છે. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમાર તથા મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. માઢકે પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતુ.

Previous articleઘોઘા તાલુકા કક્ષાનો શાળા આરોગ્ય તપાસણી કાર્યક્રમ
Next articleધાતરવડી-રને સિંચાઈ યોજનાથી ભરવા ઉચૈયા ગ્રા.પં. દ્વારા માંગણી