માનસિક તણાવ ર૧મી સદીના માનવનો મહાશત્રું છે. તે તન અને મનનાં અનેક રોગો પેદા કરે છે. તેનાથી મુકત થવાના કેટલાક સરળ, સાદાં છતાં સચોટ ઉપાયો પ્રસ્તુત છે.
(૧) શરીરને શિથીલ અને શાંત (રીલેકસેશન થેરાપી) કરવાથી ધીરે ધીરે મન પણ રીલેકસ થાય છે. જેથી મનોતાણ (ટેન્શન) ઘટે છે. શાંત વાતાવરણમાં અનુકુળ બિસ્તર પર ચતા સુવુ કે આરામથીબ ેસી જવું, આંખો બંધ કરવી, ધીરે ધીરે શ્વાસ લેવો અને છોડવો, શ્વાસ લેવાની પ્રક્રિયા જો ૧૦ સેકન્ડ હોય તો શ્વાસ છોડવાની પ્રક્રિયા ૧પ સેકન્ડ (આશરે) રાખવી, ઉંડો શ્વાસ લેતી વખતે માત્ર પેટનું જ હલનચલન થાય છે તે જોવું. (ઉંદરીય શ્વસન – એબ્ડોમીનલ બ્રીધિંગ). આ ક્રિયા દરમિયાન શ્વાસની અંદર જવાની પ્રક્રિયા અને બહાર નિકળવાની પ્રક્રિયા પર મનને કેન્દ્રિત કરવું. પાંચ મિનિટ આમ કર્યા બાદ શરીરને સંપુર્ણ ઢીલું છોડી દેવું. સર્વ પ્રથમ પગના આંગળાઓ તરફ ધ્યાન કેન્દ્રિત કરી કલ્પના કરવી કે પગ તથા આંગળા શિથીલ (રીલેકસ) થઈ રહ્યા છે. પછી ક્રમઃ પીંડી, સાથળ, પેટ એમ છેક માથા સુધી દરેક સ્નાયુઓ રીલેકસ થઈ રહ્યા છે તેમ મનને સુચનો કરવાં. આ રીતે સંપુર્ણ શિથીલીકરણ થયા બાદ ૪ થી ૬ મિનિટ શબવત પડ્યા રહેવું. તન અને મન બિલકુલ શાંત છે. તેમ મનને સુચન કરવું. શરૂ શરૂમાં બહુ જ મુશ્કેલી પડશે. રોજ આ રીતે સવાર- સાંજે ૧૦ -૧૦ મિનિટ નિયમીત રીતે શ્રધ્ધાપુર્વક કરવાથી ત્રણ-ચાર મહિને ચોકકસ ફાયદો જણાશે. જરૂર જણાશે.
(ર) સ્વયં સુચન : ઉપરોકત શિથીલીકરણની પ્રક્રિયા દરમિયાન મનને દ્રઢતાપુર્વક સુચનો (ઓટોસજેશન્સ) આપતાં રહો કે મનની તાણ ઘટીર હી છે… હું મનમાં ટેન્શનનું કરાણ શોધી તેને દુર કરી શકીશ. હવે મારે ટેન્શન રાખવાનું કોઈ કારણ નથી…. વગેરે વગેરે. આ સ્વ્યંસુચનો (ઓટો સજેશન્સ શિથીલીકરણ દરમિયાન અથવા અન્ય કોઈપણ સમયે (નવરાશના સમયે) કરી શકાય.
(૩) ઓટોજેનીકસ : જયારે ટેન્શન જણાય ત્યારે હાથપગની લોહીની નસો સંકોચન પામે છે. આ નળીઓને પહોળી કરી રક્તપ્રવાહ વધારવાની ક્રિયાને ઓટોજેનીકસ કહે છે. પલાઠીવાળી, આંખ બંધ કરી (સુખાનસમાં કે પદમાસનમાં) આરામથી બેસવું હાથની મુઠ્ઠીવાળીને બંને ઘુંટણ પર રાખવા, અંગુઠો અને પહેલી આંગળી ભેગા કરવાં બધું જ ધ્ય્ન આંગળી અને અંગુઠા પર કેન્દ્રીત કરવું. થોડીવારમાં આંગળી તથા અંગુઠામાં હૃદયના ધબકારા અનુભવાશે (ફીલ થશે) અને તેમાં ગરમાવો ઉત્પન્ન થશે. આજ રીતે પગમાં પણ ગરમાવોનો અનુભવ કરવો. નિયમીત રોજ થોડી મિનિટો આ ઓટોજેનીકસની પ્રક્રિયાથી માનસિકતાણ ઘટશે.
(૪) શ્વસનવ્યાયામ : આ પ્રક્રિયા ઘણી સહેલી છે. શરીર ઢીલું કરી આરામથી ખુરશી પર બેસવું, આંખો બંધ કરવી. પેટથી ખુબ જ ઉંડો શ્વાસ લેવો. પછી ધી…મે….ધી….મેં શ્વાસ બહાર કાઢતાં કાઢતાં મનમાને મનમાં પ્રિયપાત્રના નામનું રટણ કરવું. સર્જનહાર મારી તાણ દુર કરશે જે એ વિશ્વાસ સાથે આમ કરવું. (મહાન વૈજ્ઞાનિક કાર્લ જુગે એવું તારણ કાઢયું છે કે શ્રધ્ધાળું અને આસ્તિક માણસો કટોકટીનો સામનો વધારે સ્વાસ્થ્તાથી કરી શકે છે. પોતાના કરતાંક ોઈ મોટી શક્તિનું છત્ર પોતાના પર છે અને તે મને મદદ કરશે જ તેવી શ્રધ્ધા રાખનાર જલ્દી તાણમુક્ત થાય છે. આ રીતે શરૂઆતમાં ૪-પ વખત તથા ધીરે ધીરે વધીને ૧પ-ર૦ વખત ઉંડા શ્વાસ લેવાની અને શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયા કરવી. આશરે ૪ થી ૬ મિનિટમાં પ્રક્રિયા પુરી કરવી. ઝડપથી ઉંડા શ્વાસ લઈ ઝડપથી શ્વાસ બહાર કાઢવાની પ્રક્રિયાથી પણ તાણ ઘટે છે.
(પ) લાફિંગ થેરાપથી પણ મનોતાણ ઘટવાના દાવા થયા છે.
(૬) છેલ્લે… તનનું આરોગ્ય સારૂ હશે તો પણ ઘણે અંશે મનની તાણ ઘટશે. કમ તાકાત ઔર ગુસ્સા બહોત. એ કહેવત મુજબ અશક્ત માંદા, નબળાં લોકોને ટેન્શન જલ્દી આવી જાય છે. ગુસ્સો પણ બહુ આવે. તાણમુક્તિ માટે વ્યસનો, દારૂ, ગુટકા, ધુમ્રપાન કે અન્ય નશાનો શોર્ટકટ કદી પણ ન અપનાવવો. આ શોર્ટ કટ એકંદરે થ્રોટ કટ પુરવાર થાય છે. ટેન્શમુક્તિ જેવી અમુલ્ય ચીજ મેળવવા રોજ ૧પ થી ર૦ મિનિટનો સમય આપવો એ કંઈ ખોટનો સોદો નથી. ભારે લાભનો વ્યાપાર છે. અલબત્ત આળસ રૂપી હરીફ આ ધંધામાં રૂકાવટ ન કરે તેનું ખાસ ધ્યાન રાખવું. નિયમિતતા શ્રધ્ધા અને પુરેપુરી લગન નામના સાથીદારો જ આ ધંધાની સફળતાની અદભૂત અને વફાદાર જડીબુટી છે.
ખાસ નોંધ :- મનની શક્તિ અગાધ છે. તેમાંય અર્ધજાગૃત મનની શક્તિ તો જાગૃત મનની શક્તિ કરતાં પણ દસ ગણી વધુ છે. તેનો મહત્તમ ઉપયોગ કરીને પ્રગતિના શિખરો સર કરવા માટેના ઉપાયો વિષે ઘણા લેખો તથા પુસ્તકો લખાયા છે અને લખાયા જ કરે છે. તે માટેના પ્રવચનો, શિબીરો, વર્કશોપ વગેરે યોજાયા કરે છે. પરંતુ આ બધાનો સમજપુર્વકનો સદ્દઉપયોગ ઘણો જરૂરી છે. તેનો અણધડ ઉપયોગ અને અતિરેક ઘણીવાર ફાયદાને બદલે ગેરફાયદો (આડઅસર) કરે છે. (જેવી રીતે દવાનો દુરૂપયોગ, અતિરેક વગેરે આડઅસરો કરે છે.) જે રીતે યોગ્ય આહાર અને વ્યાયામ જરૂરી છે. પણ તેનો અતિરેક કે બેજવાબદારી ભર્યો ઉપયોગ હાનીકર્તા નિવડે છે, તે જ રીતે મનની શક્તિઓ ખીલવવાના અને અર્ધજાગૃત મનની શક્તિ વધારવાના પ્રયોગોનો અતિરેક કે સમજ વિનાનો પ્રયોગ હાની કરે છે.
દ્રઢ મનોબળ – સફળતાની સોનેરી સીડી
કોઈ કવિએ લખ્યું છે. નબળા મનનાં માનવીને કદી રસ્તો જડતો નથી અને દ્રઢ મનોબળવાળાને કદી હિમાલય પણ નડતો નથી. પંગુમ લંધયતે ગિરિમ (અપંગ પણ પહાડ ચઢી શકે.) આવી તો અનેક બૌધદાય હક્કિતો છે. દ્રઢ મનોબળથી સફળતા અને સુખ મળે, મળે અને મળે જં. પરંતુ કુદરતે દરેકને આ શક્તિ વત્તે ઓછે અંશે આપી છે. તો હવે મનોબળ વધારવાના ઉપાયો શું ? ઘણા ઘણાં છે. સચોટ ઉપાયો (૧) જે મહાપુરૂષો બચપણની ખુબ કંગાળ હાલતમાંથી સફળતાના શિખોર પર પહોંચ્યા છે તેના જીવન ચરિત્રનું નિયમીત વાંચન, મનન અને અમલ કરવાનીં ટેવ પાડવી. (ર) મનોબળ ડગમગે ત્યારે દ્રઢ મનોબળવાળી વ્યક્તિ કે સંત સુફી, વડીલ અથવા ગુરૂનો સંગ (૩) આ પુસ્તિકા તથા હકારાત્મક (પોઝિટિવ) વિચારો વધે તેવા પુસ્તકો તથા કેસેટોનો સહારો. (૪) નબળા મનવાળાનો સંગના કરવો. (પ) સર્વશક્તિમાન કુદરત પાસે દ્રઢ મનોબળ માટે દિલથી માંગણી રોજ કરવી.