ભારતીય કેપ્ટન વિરાટ કોહલી ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચાર મેચોની મહત્વપૂર્ણ ટેસ્ટ સિરીઝ પહેલા આઈસીસી ટેસ્ટ બેટ્સમેનોના રેન્કિંગમાં ટોપ પર યથાવત છે જ્યારે સાઉથ આફ્રિકાના કાગિસો રબાડા ફરીથી વિશ્વનો નંબર એક ટેસ્ટ બોલર બની ગયો છે. આઈસીસીએ બુધવારે જાહેર કરેલા રેન્કિંગ અનુસાર કોહલીના ૯૩૫ પોઈન્ટ છે. ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ તે પોતાના રેટિંગમાં સુધાર કરવાનો પ્રયત્ન કરશે. કોહલીના ટોપ રેન્કિંગમાં હાલ કોઈ ખતરો નથી કારણ કે બીજા નંબર પર રહેલ સ્ટીવ સ્મિથ (૯૧૦)નો પ્રતિબંધ હટ્યો નથી અને તે આગામી સિરીઝમાં રમશે નહીં. તેના રેટિંગ ૯૦૦ પોઈન્ટથી નીચે જવાની સંભાવના છે.
બોલરોના રેન્કિંગમાં ફેરફાર થયો અને રબાડા ફરીથી નંબર વન બોલર બની ગયો છે. તેણે ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનની જગ્યા લીધી જે શ્રીલંકા સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ટીમમાંથી બહાર હતો. તેનાથી એન્ડરસનને નવ રેટિંગ પોઈન્ટનું નુકસાન થયું અને તે રબાડાથી આઠ પોઈન્ટ પાછળ છે. પાકિસ્તાનને ન્યૂઝીલેન્ડને બીજા ટેસ્ટ મેચમાં હરાવ્યા બાદ જાહેર થયેલા રેન્કિંગમાં ભારતીય ઓફ સ્પિનર અશ્વિન પણ સાતમાં સ્થાને પહોંચી ગયો છે.