સચિવાલય પાસે ફરી દિપડાએ દસ્તક દીધીઃવન તંત્ર દોડતું થયું

658

ધનતેરસે દિપડો સચિવાલય માં ઘુસી ગયા બાદ વન વિભાગની ખો નીકળી ગઇ હતી. આખરે આ દિપડો પુનિતવના પાછળના ભાગેથી પકડાયો હતો.

ત્યાર જ રોડની બન્ને બાજુ એટલે કે, અગાઉ દિપડો જ્યાંથી પકડાયો તો તે પુનિતવન અને સામે નર્મદાઘાટ પાસેના વિસ્તારમાંથી દિપડાના પગલાં મળ્યા છે.

ફરી સચિવાલય પાસે દિપડાના પગરવ મળતા હાલ વનતંત્ર દોડતું થઇ ગયું છે અને પુનિતવનના ગરનાળા પાસે પાંજરૂ પણ મુક્યું છે. નવા સચિવાલયમાં ઘુસી ગયેલા દિપડાએ સમગ્ર રાજ્યનો વહિવટ ઠપ કરી દીધો હતો અને સચિવાલય બંધ રાખવાની નોબત આવી હતી ત્યારે મહામુસીબતે આ હિંસક દિપડાને વન વિભાગની દસ જિલ્લાની ટીમોએ પકડયો હતો. ત્યારે થોડા દિવસો પહેલા પાલજ – બાસણમાં દિપડો દેખાયાની ચર્ચાએ જોર પકડયું હતું.

ત્યારે ફરી સચિવાલય પાસે દિપડાએ દસ્તક દિધી છે આ અંગે મળતી માહિતી પ્રમાણે, જ રોડની બન્ને બાજુ વનવિભાગને દિપડાના પગલા મળ્યા છે. પુનિતવનની અંદર તથા બહારની બાજુએ તેમજ જ રોડથી નર્મદા ઘાટ તરફના વિસ્તારમાં પણ દિપડાના પગલા મળ્યા છે. આ ઉપરાંત અહીં નિયમીત આવતા સહેલાણીઓને પણ પુછવામાં આવતા અહીના અન્ય પ્રાણી-પક્ષીઓની વર્તણૂકમાં પણ ફેરફાર આવ્યો છે.આ પગલા અને સ્થાનિકોના નિવેદન બાદ વનતંત્ર ગંભીર બન્યું છે અને આ વિસ્તાર મંત્રી નિવાસ-સચિવાલયથી નજીક આવેલો હોવાને કારણે પણ આ બાબતે ખાસ તકેદારી રાખવામાં આવી છે. જેના કારણે અગાઉનો દિપડો જ્યાંથી પકડાયો હતો તે ગરનાળા પાસે પાંજરૂ પણ મુકવામાં આવ્યું છે. ત્યારે આ સંવેદનશીલ વિસ્તારમાં ફરી દિપડાના દસ્તકથી લઇને વનવિભાગ દોડતું થઇ ગયું છે અને સ્થાનિક ગાર્ડને પેટ્રોલીંગ કરવા માટે સૂચના આપી દીધી છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સાબરકાંઠાના જંગલમાંથી સચિવાલય પહોંચેલા દિપડાની ગંધ સુંઘીને આ બીજો દિપડો આવ્યો હોવાનું નિષ્ણાંતો માની રહ્યાં છે.

Previous articleરાજયની આ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓ પાસે કચરા-પોતુ કરાવાય છે
Next articleઓનલાઇન હાજરી અપલોડ કરવામાં બેદરકાર ૪૬ શાળાને નોટિસ ફટકારાઈ