ઓનલાઇન હાજરી અપલોડ કરવામાં બેદરકાર ૪૬ શાળાને નોટિસ ફટકારાઈ

801

સરકારના શિક્ષણ વિભાગ દ્વારા રાજયની પ્રાથમિક શાળાઓ માં દિવાળી વેકેશન પછીના બીજા સત્રમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ની ઓનલાઈન હાજરી અપલોડ કરવાનો આદેશ જારી કરાયો છે.પરંતુ અરવલ્લી જિલ્લામાં કેટલાક મુખ્ય શિક્ષકો આ હુકમની અમલવારીમાં બેદરકારી દાખવતા હોવાનું જિલ્લા ડીપીઈઓના ધ્યાને આવ્યું હતું.અને શિક્ષકોની હાજરી અપલોડ નહી કરનાર અને બાળકોની હાજરીમાં બેદરકારી દાખવનાર જિલ્લાની ૪૬ શાળાઓના આચાર્યઓને નોટીસ ફટકારાઈ હતી.અને દિન-૩ માં આ નોટીસનો જવાબ ટીપીઓ ના રીમાકર્સ સાથે મોકલી આપવાની તાકીદ કરાતાં જ જિલ્લાની પ્રાથમિક શાળાઓના શિક્ષકોમાં હડકંપ મચ્યો હતો.

રાજય પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગરની સુચના બાદ નવા સત્રથી રાજયની તમામ સરકારી પ્રાથમિક શાળાઓના શિક્ષકો અને વિદ્યાર્થીઓની ઓનલાઈન હાજરી અપલોડ કરવાની કામગીરી જે તે શાળાના આચાર્યો દ્વારા હાથ ધરાઈ છે.

શાળાઓમાં શિક્ષકોની પડતી વધને અટકાવી કે બચાવી લેવા ચલાવાતા ભૂતિયા વિદ્યાર્થીઓનું ભૂત ને હાંકી કાઢવા તેમજ શાળામાં યેનકેન પ્રકારે હાજરી બતાવી અન્ય કામે રોકાાઈ રહેતા કે ગુલ્લીબાજ શિક્ષકોને શિક્ષાના પાઠ ભણાવવા આ આદેશને વાલીઓ સહિતના પ્રજાજનો ખૂબ આવકાર્યો છે.

ત્યારે આ આધારે એનેબલ ડાયસ ચાઈલ્ડ ટ્રેકિંગ સિસ્ટમથી આધાર ડાયલ પોર્ટલ દ્વારા શાળાના યુઝર અને પાસવર્ડથી લોંગીંન થઈ શાળા ખુલવાના ૩૦ મીનીટમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓની હાજરી ઓનલાઈન અપલોડ કરાય તે ઉપર અરવલ્લી ડીપીઈઓ ર્ડા.એ.કે.મોઢપટેલ દ્વારા કડક નિયમન હાથ ધરાયું હતું.

કેટલાક ગુલ્લીબાજ શિક્ષકો વિદ્યાર્થીઓની કે આચાર્યો શાળાના શિક્ષકોની હાજરી મેળવવામાં કે ઓનલાઈન અપલોડ કરવામાં બેદરકારી દાખવતા જણાઈ આવતાં આવી ૪૬ પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો ને નોટીસ ફટકારાઈ હતી.

જિલ્લા ડીપીઈઓ ર્ડા.એ.કે. મોઢપટેલ દ્વારા ઓનલાઈન શિક્ષકોની હાજરી નહી અપલોડ કરનાર માલપુર તાલુકાની -૧૨,ભિલોડા તાલુકાની-૦૫ અને મેઘરજ તાલુકાની-૦૨ શાળાના મુખય શિક્ષકને નોટીસ ફટકારી હતી.

જયારે શાળાના બાળકોની હાજરી પુરવામાં બેદરકારી દાખવનાર મેઘરજ તાલુકાની-૦૯,માલપુર તાલુકાની-૦૭,ભિલોડા-૦૬,બાયડ-૦૪ અને મોડાસા તાલુકાની -૦૧ મળી કુલ ૨૭ શાળાઓના આચાર્યઓને બેદરકારી બદલ નોટીસો અપાઈ હતી.

આ નોટીસનો ટીપીઓ ના રીમાર્કસ સાથે દિન – ૩ માં ખુલાસો કરવા અને જો સીઆરસી ના મોનીટરીંગ અંગે નિષ્કાળજી દાખવવામાં આવી હોય તો બીઆરસી મારફતે ખુલાસો મોકલી આપવા ડીપીઈઓ દ્વારા તાકીદ કરાઈ છે.આમ આટલી મોટીસંખ્યામાં શિક્ષણ વિભાગના આદેશ સામે બેદરકારી બદલ ૪૬ નોટીસોથી શિક્ષકોમાં હડકંપ મચ્યો છે.

Previous articleસચિવાલય પાસે ફરી દિપડાએ દસ્તક દીધીઃવન તંત્ર દોડતું થયું
Next articleગાંધીનગરમાં શ્રી શ્રી રવિશંકરજીનાં સાન્નિધ્યમાં રુદ્ર પૂજાનું આયોજન