તાજેતરમાં ઓનલાઈન જાહેરાત જોવાના બહાને એકના ત્રણ ગણા પૈસા કરવાની લાલચ આપીને રૂ.૨૬૦ કરોડનું કૌભાંડ આચરનાર વિનય શાહની નેપાળ પોલીસે ધરપકડ કરી છે. જેના પગલે ગાંધીનગર સીઆઈડી ક્રાઈમની ઓફિસમાં રોકાણકારોનો ધસારો શરૂ થયો છે. લોકો વહેલી સવારથી સીઆઈડી ઓફિસ બહાર પોતાના પૈસા પરત મળે તેની આશા લઈ નિવેદન નોંધાવવા આવી રહ્યા છે. જેમાં ૨૫ મુકબધિરો પણ ભોગ બન્યા હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે અને કડીમાં જ એક કરોડનું રોકાણ હોવાના નિવેદનો નોંધવામાં આવ્યા છે. બીજીબાજુ, વિનય શાહે તેના પાલડી ખાતેના યુનિયન ફલેટના ગ્રાઉન્ડ ફલોર અને ફર્સ્ટ ફલોર પર ગેરકાયદે બાંધકામ કર્યુ હોવાની વિગતો પણ હવે સામે આવી રહી છે, તેથી તે દિશામાં પણ તંત્રએ તપાસ હાથ ધરી છે. આજે વહેલી સવારથી જ સંખ્યાબંધ રોકાણકારો સીઆઇડી ક્રાઈમની ઓફિસે પહોંચીને તેઓની સાથે થયેલી છેતરપિંડીની વ્યથા પોલીસને જણાવી પોતપોતાના નિવેદનો નોંધાવતા જોવા મળ્યા હતા. સીઆઈડી દ્વારા નિવેદન નોંધવવા આવેલા રોકાણકારો પાસે તેમનું નામ, મોબાઈલ નંબર, ક્યા એજન્ટ પાસે રોકાણ કરાવ્યું, કુલ કેટલા રૂપિયાનું રોકાણ કર્યું, કેટલા રૂપિયા વાળો પ્લાન લીધો હતો. બેંક ખાતાની વિગતો, પાન કાર્ડ અને આધાર કાર્ડની વિગતો માંગવામાં આવી રહી છે.
એક મહિલા રોકાણકારે જણાવ્યું કે, તેમના પતિને આ સ્કીમ વિશે વાતચીત કરતા તેઓએ રોકાણ કરવાની ના પાડી હતી. પરંતુ તેમની બહેનપણીએ આ સ્કીમમાં રોકેલા પૈસા ત્રણગણા થઇને પાછા આવતા લાલચમાં આવીને તેમણે પણ ૨૫૦૦૦ વાળા ચાર આઈડી લીધાં હતાં તેમજ ઘરમાં ટીવી લાવવા માટે અનેકવાર કહ્યું હોવા છતાં ટીવી લાવવાની જગ્યાએ સ્કીમમાં પૈસા રોક્યા હતા. અન્ય એક મહિલા રોકાણકારે જણાવ્યું હતું કે, આ સ્કીમમાં મારી એજન્ટ મિત્ર કલ્પના કથીરિયાએ મને સ્કીમમાં રોકાણ કરાવ્યું હતું. એજન્ટ મિત્રએ જણાવ્યું હતું કે મારા પર વિશ્વાસ રાખ પૈસા પરત આવશે. જેમાં મારા અને ઘરના સભ્યોના મળીને કુલ પાંચેક આઈડી ખોલાવ્યા હતા. હવે પૈસા પરત માંગીએ છીએ તો તેઓ કંઇ વાત જ કરતાં નથી. વિનય શાહની જાળમાં અનેક મહિલાઓ પણ ફસાઈ છે. આ પ્રકારની સ્કીમમાં રોકાણ કરવાની પતિની ના છતાં અનેક મહિલાઓએ સ્કીમમાં રોકાણ કરતા હવે પૈસા ગુમાવવાનો વારો આવ્યો છે. આ જ પ્રકારે વધુ એક મહિલા રોકાણકારે પણ હૈયાવરાળ ઠાલવી કે મારી બહેનપણીએ રોકાણ કર્યું હતું અને તેને પૈસા આવતા બે આઈડી પર રોકાણ કર્યું હતું. હવે પૈસા તો ગયા છે પણ પૈસા પરત આવશે તેવી આશા છે. અમે સીજી રોડ ખરીદી કરવા જઈએ છીએ તેવું ઘરમાં કહી અને સીઆઈડી ક્રાઈમમાં નિવેદન નોંધાવવા આવ્યા છીએ. વિનય શાહે સામાન્ય લોકો જ નહીં પરંતુ અમદાવાદના ૨૫ જેટલા મૂકબધિરોને પણ છેતર્યા છે. રોકાણ કરી પૈસા ગુમાવનારા મૂકબધિરો પણ આજે સીઆઈડી ક્રાઈમમાં નિવેદન નોંધાવવા માટે પહોંચ્યાં હતાં. તેમને એક એજન્ટ દ્વારા રોકાણ કરાવવામાં આવ્યું હતું. તમામ મૂકબધિર યુવકોએ પોતાની માહિતી લેખિતમાં સીઆઈડી ક્રાઈમને સોંપી હતી. વિનય શાહને અહીં લવાયા બાદ સમગ્ર કેસમાં વધુ ચોંકાવનારા ખુલાસા સામે આવશે તેવું તપાસનીશ એજન્સી માની રહી છે.