શહેરના ભીલવાડા સર્કલથી દિપક ચોકને જોડતા માર્ગનું કામ બે વર્ષ કરતા વધુ સમયથી તદ્દન મંદગતિએ ચાલી રહ્યું હોય જેને લઈને લોકોને પારાવાર યાતનાઓ વેઠવી પડી રહી છે.
શહેરમાં જ્યારે જ્યારે ચૂંટણીઓ આવે ત્યારે પછાત વિસતારોમાં પણ વિકાસ વિંઝે પાખ વર્ષોથી પડતર પડી રહેલ લોક પ્રશ્નોનું નિરાકરણ તંત્ર યુધ્ધના ધોરણે આદરે લોકો આ તમાશો નિહાળી થોડા દિવસ આશ્ચર્ય ચોક્કસ અનુભવે પરંતુ ચૂંટણી પૂર્ણ થયે પરિસ્થિતિ પુનઃ જૈસે થે થઈ જવા પામે છે. આમ તો આ બાબત ભાવેણાવાસીઓને કોઠે પડી ગઈ છે પરંતુ શહેરનો એક વિસ્તાર એવો પણ છે કે જ્યાંના રહીશો ચૂંટણી ટાણે પણ આંધળા વિકાસની ઝાંખી માટે તલસી રહ્યાં છે. ભાવનગરમાં પ્રજાના પ્રતિનિધિઓ તથા અધિકારીઓ ભાવેણાની ભોળી પ્રજાને બેવકુફ બનાવવામાં માહેર છે. શહેરમાં તંત્ર દ્વારા આદરવામાં આવેલા અનેક પ્રજાલક્ષી કાર્યો પ્રજાજનોની સુખાકારી નહીં પરંતુ સમસ્યામાં અભિવૃધ્ધિ થાય તેવી રીતે કરવામાં આવ્યા છે અને કેટલાક કાર્યોમાં લોક હિત નહીં અધિકારી તથા નેતાજીની ઈચ્છા તૃષ્ણા તૃપ્ત થાય તેવી સુનિયોજીત ગોઠવણ દ્વારા લોક વિકાસના કાર્યોના નામે મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. આવા અનેક કાર્યો પૈકી એક અને વિવાદોનું પર્યાય બનેલા શહેરના બોરડીગેઈટ સ્થિત દિપક ચોક સર્કલ તથા આ સર્કલને જોડતા અલગ-અલગ માર્ગોનો વિવાદ ર વર્ષ વિતવા છતા શમ્યો નથી.
ભીલવાડા સર્કલ થઈ શિશુવિહાર સર્કલ-દિપક ચોકને જોડતો માર્ગ મહાપાલિકા દ્વારા મંજુર કર્યે લાંબો સમય વિત્યો છે. તંત્રએ બહાર પાડેલ રોડ-રસ્તાના કામોનું ટેન્ડર પણ એક કંપનીએ ભર્યુ હતું અને રસ્તાનું કામ શરૂ કર્યુ હતું પરંતુ તંત્ર અને અધિકારીઓને સારા કહેવડાવે તેવી આ કંપનીએ કાર્ય પૂર્ણ કરવા માટે લાચારી દર્શાવી આમ છતાં મહાપાલિકાએ કોઈ પગલા ન ભરી કોન્ટ્રાક્ટરને પોતાની છત્રછાયા તળે આવરી લીધા. આ સમસ્યાથી અત્રેના રહેતા લોકો અપાર યાતનાઓ વેઠી રહ્યાં છે. હાલ શહેરમાં ઠેકઠેકાણે રોડ રસ્તા, ડ્રેનેઝ, પાણીની લાઈન સહિતની કામગીરી તિવ્ર વેગે આગળ ધપી રહી છે પરંતુ ભીલવાડા સર્કલ-શિશુવિહાર થઈને દિપક ચોકને જોડતા માર્ગનું કોઈ ઠેકાણુ નથી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર ડબલ પટ્ટીના પેવર રોડ વચ્ચે ડિવાઈડર સાથેનો માર્ગ મંજુર થયો છે. સ્થાનિકો તથા નગરસેવકો દ્વારા બિસ્માર માર્ગનું તાકીદે નવીનીકરણ કરવા અવારનવાર રજૂઆતો કરવા છતા નિંભર તંત્ર કોઈ પગલા નથી લઈ રહ્યું. આ બાબતને લઈને લોકોએ વધુમાં જણાવ્યું હતું કે, તંત્ર પ્રશ્નનો ઉકેલ નહીં લાવે તો પરિણામ ઉચીત નહીં હોય તેવી ચિમકી પણ ઉચ્ચારી છે.
તો ઉપવાસ આંદોલનનો
માર્ગ અખત્યાર કરીશું
એક કોર્પોરેટર તરીકે મારા વિસ્તારની લોક સમસ્યા માટે જવાબદારો સામે લેખીત-મૌખિક, લોકોને સાથે રાખી રજૂઆતો કરી છે. વારંવાર રજૂઆત બાદ થોડા દિવસ તંત્ર કામ શરૂ કર્યાનું નાટક શરૂ કરે છે પરંતુ ત્યારબાદ કોઈ ફરકતું પણ નથી. મેયરથી કમિશ્નર સુધીને રજૂઆત કરી છે. પ્રથમ તંત્રએ ચોમાસુ હોય કામ ન થઈ શકે તેવું કારણ આગળ ધર્યુ હતું. ત્યારબાદ ભીલવાડાથી શિશુવિહાર સર્કલ સુધીના માર્ગ પર ડ્રેનેઝ લાઈન પાથરવાનું બહાનુ બતાવ્યું હતું. હવે ચૂંટણીનું કારણ આપે છે. જે કામ મંજુર થઈ ચુક્યું છે તેવા કામને આચારસંહિતા કઈ રીતે લાગી શકે ? હવે અમારી ધીરજનો અંત આવ્યો છે. તંત્ર સત્વરે કામ નહીં કરે તો સ્થાનિકોને સાથે રાખી ઉપવાસ આંદોલન કરીશું.
– ઈકબાલ આરબ, નગરસેવક
ટુંક સમયમાં કામ પૂર્ણ કરાશે
ભીલવાડા સર્કલ શિશુવિહાર-દિપકચોક સુધીના માર્ગનું કામ લાંબા સમયથી ટલ્લે ચડેલું હોય જે અંગે મહાપાલિકા રોડ વિભાગના અધિકારી મકવાણાનો સંપર્ક કરતા પોતે હાલ રજા ઉપર હોવાનું જણાવ્યું હતું. આથી અન્ય અધિકારીગણ પાસેથી સમગ્ર સ્થિતિની માહિતી વિગત પુછતા અધિકારીઓએ જણાવ્યું હતું કે, વર્તમાન કોન્ટ્રાક્ટર નિયત સમયમાં કામગીરી પૂર્ણ નથી કરી શકી. આથી આ કોન્ટ્રાક્ટર વિરૂધ્ધ આકરા પગલા લેવા સાથે અન્ય કોન્ટ્રાક્ટરને કામ સોપી બાકી રહેલું કામ પૂર્ણ કરવામાં આવશે. હાલ સમગ્ર મુદ્દો પેન્ડીંગ છે. ચૂંટણીની કામગીરીને લઈને કામગીરી મંદ પડી છે. બાકી પ્રયત્નો છે જ કે કામ સત્વરે પૂર્ણ કરવામાં આવે.
– મકવાણા, કાર્યપાલક ઈજનેર, માર્ગ-મકાન વિભાગ, બીએમસી