ગુજરાત બનશે ગારમેન્ટ હબ, રાજ્ય સરકારનો પ્લાન

736

ગુજરાતને ગારમેન્ટ હબ બનાવવાની દિશામાં આગળ વધતા મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ અરવિંદ લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર સંજય લાલભાઈ સાથે એક પ્રેઝન્ટેશન બેઠકનું આયોજન કર્યું હતું. આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ગુજરાતને ગારમેન્ટ હબ બનાવવાની દિશામાં રાજ્ય સરકારની આગામી ગારમેન્ટ પોલિસી સક્ષમ માધ્યમ બનશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે આ નવી ગારમેન્ટ પોલિસી દ્વારા મોટા પાયે રોકાણો સાથે અંદાજે ન્યૂનતમ ૧ લાખ વ્યક્તિઓને રોજગારી આપવાનું લક્ષ્ય છે. આ લક્ષ્યાંકની પૂર્તિમાં અરવિંદ લિમિટેડ દ્વારા રૂ.૩૫૦ કરોડના ખર્ચે અમદાવાદ નજીક સ્થપાઇ રહેલી ૩ નવી સુવિધાઓ ઉપયુક્ત બનશે તેમ જણાવ્યું હતું. આ નવી સુવિધાઓને પરિણામે ૧૨ હજાર લોકોને રોજગાર અવસર મળશે તેમજ બહુધા મહિલાઓ-બહેનોને આ રોજગાર તક મળશે. રાજ્ય સરકાર એપેરલ એન્ડ ગારમેન્ટ પોલિસી અંતર્ગત સ્થપાયેલા એકમોમાં મહિલા કામદારોને માસિક રૂ.૪,૦૦૦ વેતન આપે છે તેનાથી પ્રેરિત થઈને હવે ગારમેન્ટ એપેરલ ઉદ્યોગો પણ મહિલાઓને વ્યાપક રોજગારી-તાલીમ અને ડોરમેટ્રી સપોર્ટ માટે આગળ આવ્યા છે. અરવિંદ મિલ્સ લિમિટેડ દ્વારા ખાસ કરીને વનબંધુ-આદિજાતિ બહેનો માટે આ સુવિધાઓમાં તાલીમ અને ડોરમેટ્રી સપોર્ટ આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાત સરકાર અને એપેરલ પ્રમોશન કાઉન્સિલ વચ્ચે દિલ્હી અને મુંબઈના તાજેતરના વાઇબ્રન્ટ રોડ શો- કર્ટેન રેઇઝર દરમિયાન ચાર જેટલા એમ.ઓ.યુ. એપેરલ ગારમેન્ટ ક્ષેત્રે રોકાણો પ્રેરિત કરવા માટે થયાં છે. અરવિંદ લિમિટેડ પણ તેની રૂ. ૩૫૦ કરોડની નવી સુવિધાઓ સાથે આ દિશામાં આગળ વધ્યું છે. આ નવી સુવિધાઓને પરિણામે ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીને અનુરૂપ આનુષાંગિક ઉદ્યોગોનો પણ વ્યાપક વિકાસ થવાથી સ્થાનિક સ્વરોજગારની તકો ખૂલશે.

Previous articleવિનય શાહ પ્રકરણ : સીઆઈડી ઓફિસ પર બીજા દિવસે ધસારો
Next articleઆન્ડિજનના ડે.ચીફ મિનીસ્ટર સાથે મુખ્યમંત્રીની મુલાકાત