માર્કેટીંગ યાર્ડમાં આગ લાગવાની વધુ એક ઘટના રાજ્યમાં બની હતી જેને લઇ ગુજરાતનું રાજકારણ ગરમાયું હતું. આજે રાજકોટનાં ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં ભીષણ આગ લાગી હતી. માર્કેટીંગ યાર્ડમાં મરચાની હજારો બોરીઓનો સ્ટોક હતો જેમાં અચાનક કોઇક કારણસર આગ લાગી હતી. આ ભયંકર આગમાં મરચાની ગાંસડીઓ બળીને ખાખ થઈ ગઈ હતી. આ ભયંકર આગે જોતજોતામાં વિકરાળરૂપ ધારણ કર્યું હતુ, જેના કારણે માર્કેટયાર્ડમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગમાં મરચાની ચાર હજારથી વધુ બોરી બળીને ખાખ થઇ જતાં અંદાજે એકથી દોઢ કરોડ રૂપિયાનું બહુ મોટુ નુકસાન થયુ હોવાનું મનાઇ રહ્યું છે. બીજીબાજુ, કોંગ્રેસે પણ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કરાયા હતા કે, ભાજપ સરકાર માર્કેટીંગ યાર્ડના ભ્રષ્ટાચારના છુપાવવા આગના ખપ્પરમાં ખેડૂતોના હિતને હોમી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં ગોંડલ માર્કેટીંગ યાર્ડની ગણના મોટા યાર્ડમાં થાય છે. ત્યારે હાલ મરચાની સીઝન ચાલી રહી હોય ખેડૂતો મરચાના વેચાણ માટે ગોંડલ માર્કેટીંગ યાર્ડમાં આવે છે. કોઇ કારણોસર મરચાની હજારો ગાંસડીઓમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા અફડાતફડીનો માહોલ સર્જાયો હતો અને મોટી સંખ્યામાં લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતા જ ગોંડલ ફાયર બ્રિગેડના ફાઇટરો દોડી ગયા હતા અને કલાકોની ભારે જહેમત બાદ આગ પર કાબૂ લેવામાં આવી હતી. આગથી ખેડૂતો અને વેપારીઓને લાખોનું નુકસાન થયાનું જાણવા મળી રહ્યું છે. મરચાની હજારો ગાંસડીમાં આગ લાગતા જ ધૂમાડાના ગોટેગોટા નીકળ્યા હતા અને દૂર દૂર સુધી જોવા મળ્યા હતા. ધૂમાડાથી લોકોને આંખમાં બળતરા થઇ હતી તેમજ ગળામાં અસર થઇ હતી. આગને કારણે ખેડૂતોને પડ્યા પર પાટુ પડ્યું હોય તેવો માહોલ જોવા મળ્યો હતો. વેપારી એસોસિએશનના પ્રમુખ અતુલભાઇના જણાવ્યું હતું કે, આ સીઝનમાં મરચા ખુલ્લા પટમાં આવી રાખવામાં આવે છે. પરંતુ કોઇ કારણસર મરચાના ઢગલામાં આગ લાગી હતી. આગ કાબૂમાં આવ્યા પછી જ કેટલું નુકસાન થયું હશે તેનો અંદાજ લગાવી શકાશે.
બે શખ્સોને યાર્ડના ચેરમેન જયંતી ઢોલે પૂછપરછ માટે બોલાવ્યા હતા. પરેશ વાડોદરીયા નામના વેપારીએ જણાવ્યું હતું કે, ગોંડલ માર્કેટ યાર્ડમાં આકસ્મિક આગનો બનાવ બન્યો છે. ભારે જહેમત બાદ આગને કાબૂમાં લઇ શકાઇ હતી. ગોંડલ માર્કેટ યાર્ડમાં ૩૦ હજાર ભારીની આવક હતી. જેમાં એક વિભાગમાં આગ લાગતા ૪ હજાર ભારી બળીને ખાખ થઇ ગઇ છે. એક ભારીમાં ૩૫ કિલો વજન હોય છે જેને લઇને અંદાજીત સવાથી દોઢ કરોડનું નુકસાન થયું છે. મરચા વેપારી અને ખેડૂતોના હતા. દરમ્યાન ધોરાજીમાં સૌરાષ્ટ્ર ઝોનના કન્વીનરોની બેઠકમાં હાજરી આપ્યા બાદ હાર્દિક પટેલ ગોંડલ આવી પહોંચ્યો હતો. ગોંડલમાં લાગેલી આગ અંગેની તેણે જાતમાહિતી મેળવી હતી. એ પછી હાર્દિકે જણાવ્યું હતું કે, હું નજીકમાં ધોરાજી હતો ત્યારે આગ લાગવાની જાણ થતાં જ અહીં આવ્યો. મરચાની ૪૦૦૦ બોરીઓ સળગી ગઈ છે. નવાઈની વાત છે કે અવારનવાર ગોંડલમાં જ આવું થાય છે અને તેની યોગ્ય તપાસ પણ થતી નથી. આ બધી ખેડૂતોને પાયમાલ કરવાની વાત છે. એપીએમસીના જવાબદાર અધિકારીઓના કૌભાંડો દેખાઈ રહ્યા છે. મગફળીના કૌભાંડોની તપાસ પૂરી થાય તે પહેલાં મરચાનું કૌભાંડ સામે આવી ગયું. મને લાગે છે કે મગફળીનો ઓળો બનતો તો તેમાં મરચાની જરૂર હોવાથી મરચાનું કૌભાંડ સામે આવ્યું છે. જે ખરેખર ખૂબ દુઃખની વાત છે. હાર્દિકે આજે ફરી એકવાર ભાજપ સરકાર પર આક્ષેપો કર્યા હતા.