ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ આજે પ્રદેશ પ્રમુખ તેમજ રાજ્યના મંત્રીના ઉમેદવારી પત્રો ભરવા માટે ભાવનગર આવ્યા હતા. તેમની હાજરીમાં જીતુભાઈ વાઘાણી અને પરશોત્તમભાઈ સોલંકીએ ઉમેદવારી પત્રો ભર્યા હતા. ભાવનગર આવતા જ અમિત શાહનો રોડ-શો કરવામાં આવ્યો હતો. જેમાં મોટીસંખ્યામાં આગેવાનો અને કાર્યકરો જોડાયા હતા.
અમિત શાહની ઉપસ્થિતિમાં વાઘાવાડી રોડ સ્થિત ગુલીસ્તા મેદાન ખાતે સવારે એક સભા યોજવામાં આવી હતી. જેમાં ભાજપના મોટાભાગના તમામ હોદ્દેદારો ઉપરાંત કાર્યકરો, ઉદ્યોગપતિઓ સહિત વિવિધ સમાજના આગેવાનો મોટીસંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે અમિત શાહે પ્રવચન કર્યુ હતું. જેમાં રાજ્યમાં ભાજપ ૧પ૦ ઉપરાંત બેઠક પર વિજય મેળવશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. જ્યારે છેલ્લા કેટલાક સમયથી ચાલી રહેલા રાજપુત સમાજ અને જીતુ વાઘાણી વચ્ચેના વિવાદનો પણ તેમણે દાનસંગ મોરી સાથે સમાધાન કરાવી અંત લાવ્યો હતો.
ગુલીસ્તા મેદાન ખાતેથી જીતુભાઈ વાઘાણી અને પરશોત્તમભાઈ સોલંકી સાથે અમિત શાહ ઉમેદવારી પત્ર ભરવા પહોંચ્યા હતા અને ભાવનગર પશ્ચિમમાંથી જીતુ વાઘાણીનું તથા ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી પરશોત્તમભાઈ સોલંકીનું ઉમેદવારી પત્ર ભર્યુ હતું. આ પ્રસંગે સાંસદ ભારતીબેન શિયાળ, પૂર્વ સાંસદ રાજુભાઈ રાણા, સંસદીય સચિવ વિભાવરીબેન દવે, શહેર-જિલ્લાના પ્રમુખો સહિત હોદ્દેદારો અને ભાજપના નેતાઓ તથા ઉદ્યોગપતિઓ અને શુભેચ્છકો મોટીસંખ્યામાં હાજર રહ્યાં હતા.