પત્નીને મરવા મજબુર કરનાર પતિ, સાસુને કેદ

1625

પાંચ વર્ષ પૂર્વે ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના ઓદરકા ગામે પત્નીને મરવા મજબુર કરનાર પતિને સાત વર્ષની અને સાસુને ત્રણ વર્ષની કેદની સજા ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાશરે ફટકારી હતી. જ્યારે અન્ય ચાર આરોપીઓનો નિર્દોષ છુટકારો થયો હતો. સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો અને મૌખીક અને લેખીત પુરાવા અદાલતે ધ્યાને લીધા હતા.

પ્રાપ્ત વિગતો મુજબ આ કામના ફરિયાદી કનકબા પ્રભાતસિંહની દિકરી પ્રિતીબા ઉર્ફે ખમાબાના લગ્ન આઠ માસ પહેલા ગજેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ ઉ.વ.૩ર રહે.ઓદરકા તા.ઘોઘા સાથે થયેલા હોય લગ્નના થોડા દિવસ બાદ આ કામના આરોપીઓ ગજેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલ (ઉ.વ.૩ર), ધીરજબા કિરીટસિંહ ગોહિલ (ઉ.વ.૬ર), દિલુભા નાથુભા જાડેજા (ઉ.વ.૪૬), હરપાલસિંહ ગણપતસિંહ જાડેજા (ઉ.વ.ર૮), મનસાબા ગણપતસિંહ જાડેજા (ઉ.વ.૪૮), સુમતબા દિલુભા જાડેજા (ઉ.વ.૪૦) સહિતના આરોપીઓએ ફરિયાદીની દિકરી પ્રિતીબાને ‘તું ગમતી નથી, કામ બરાબર કરતી નથી’ તેમ મેણાટોણા મારી, મારકુટ કરી, શારીરિક-માનસિક ત્રાસ આપી, મરવા મજબુર કરતા પ્રિતીબા ઉર્ફે ખમાબાએ પોતાની જાતે ગત તા.૧પ-૮-ર૦૧૩ના રોજ એસીડ પી લેતા તેણીને ગંભીર હાલતે સારવાર અર્થે જામનગરની હોસ્પિટલમાં ખસેડાયેલ, જ્યાં સારવાર દરમ્યાન તેણીનું ગત તા.૧૧-૧૦-ર૦૧૩ના રોજ મૃત્યુ નિપજ્યું હતું.

આ બનાવ અંગે ફરિયાદી જાડેજા કનકબા પ્રભાતસિંહે જે તે સમયે ઉક્ત આરોપીઓ સામે સીટી બી ડીવીઝન પો.સ્ટેશન જામનગર ખાતે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ઉક્ત આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો. જામનગરનો આ ગુનો ઘોઘા પોલીસ સ્ટેશનની હદમાં હોય ફરિયાદી ઘોઘા પો.સ્ટે. તરફ મોકલી આપવામાં આવી હતી.

આ અંગેનો કેસ આજરોજ બુધવારે ભાવનગરના ત્રીજા એડીશ્નલ સેશન્સ જજ એમ.જે. પરાશરની અદાલતમાં ચાલી જતા અદાલતે સરકારી વકીલ બી.જે. ખાંભલીયાની દલીલો, મૌખિક પુરાવા ૧૮, લેખીત પુરાવા પપ, વિગેરે ધ્યાને લઈ મુખ્ય આરોપી નં.૧ ગજેન્દ્રસિંહ કિરીટસિંહ ગોહિલને તકસીરવાન ઠરાવી ૭ વર્ષની સખ્ત કેદ તથા આરોપી નં.ર ધીરજબા કિરીટસિંહ ગોહિલ (સાસુ)ને ત્રણ વર્ષની કેદની સજા તથા દંડ ફટકારેલ. જ્યારે અન્ય ચારને નિર્દોષ છોડી મુક્યા હતા.

Previous article૮.૩૨ લાખના મુદ્દામાલ સાથે બે શખ્સોને ઝડપી ૫૫ ચોરીનો ભેદ ઉકેલતી પોલીસ
Next articleહીમાલીયા મોલ પાર્કીંગમાં લેવાતો ચાર્જ બંધ કરાયો