ગુજરાત : જાદુગરોની ૩૬ ટીમ ચૂંટણી પ્રચારમાં સક્રિય દેખાશે

797
guj22112017-10.jpg

ગુજરાતના રાજકારણમાં ભાજપ દ્વારા સૌપ્રથમવાર જાદુગરો દ્વારા ચૂંટણી પ્રચારનો નવતર પ્રયોગ થવા જઇ રહ્યો છે. ગુજરાતના રાજકારણના ઇતિસહાસમાં સૌપ્રથમવાર કોઇ રાજકીય પક્ષ દ્વારા પ્રચાર માટે જાદુગરોનો પ્રયોગ થઇ રહ્યો છે. આવતીકાલથી ભાજપના જાદુગરોની ૩૬ ટીમો ગુજરાતભરમાં ચૂંટણી પ્રચાર શરૂ કરશે. ભાજપના જાદુગરો ગ્રામ્ય વિસ્તારની ૧૪૪ બેઠકોના મતક્ષેત્રમાં જાદુના ખેલ અને પ્રયોગો દ્વારા  ગુજરાતના વિકાસ, ભાજપના પ્રચાર અને વધુમાં વધુ મતદાન કરવાના સંદેશા અને વાતને જન-જન સુધી રજૂ કરશે. ભાજપ દ્વારા આ માટે જાદુગરોને ખાસ સૂચનાઓ અને કાર્યક્રમના પ્લાનીંગ વિશે પણ વાકેફ કર્યા છે. 
આ અંગે ભાજપ પ્રચાર પ્રસાર વિભાગના કન્વીનર દક્ષેશ શાહ અને પ્રવકતા ડો.જગદીશ ભાવસારે જણાવ્યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઇ ગુજરાતની જનતાને મતદાન માટે અસરકારક રીતે સંદેશો આપી શકાય અને લોકોમાં મતદાન પરત્વે જાગૃતિ કેળવાય તેવા ઉમદા આશય સાથે ભાજપ દ્વારા સૌપ્રથમવાર જાદુગરોની મદદ લેવાઇ છે. જાદુગરોના ખેલ અને પ્રયોગનું માધ્યમ લોકોને સંદેશો આપવા માટેનું અસરકારક માધ્યમ બની રહેશે. આવતીકાલથી ભાજપના જાદુગરોની ૩૬ ટીમો ગુજરાતમાં પક્ષના ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરશે. ગુજરાતના ગ્રામ્ય વિસ્તારની ૧૪૪ બેઠકોના મતક્ષેત્ર પર આ જાદુગરો સ્થાનિક નાગરિકો-મતદારોને જાદુના વિવિધ ખેલ અને પ્રયોગો બતાવી તેમને ગુજરાતના વિકાસની ગાથા, ભાજપના વિકાસલક્ષી કાર્યો અને યોજનાઓની સાથે સાથે વધુ મતદાન અને મતાધિકારના ઉપયોગની મહત્તા સમજાવશે અને લોકોમાં જાગૃતિ ફેલાવશે. આ જાદુગરોની સાથે ભાજપના સ્થાનિક કાર્યકરો અને આગેવાનો પણ જોડાશે. સવારે ૧૦થી રાત્રે આઠ દરમ્યાન ભાજપના જાદુગરો કુલ આઠ શો યોજશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાત વિધાનસભાની પહેલા તબક્કાની ચૂંટણીની ૭૨ બેઠકો અને બીજા તબક્કાની ૭૨ બેઠકો માટે ભાજપના આ જાદુગરોની ટીમ પ્રચાર-પ્રસાર કરશે. આજે એસ.જી.હાઇવે પર ભાજપના મીડિયા સેન્ટર કાર્યાલય ખાતે સૈય્યદ ઇરફાન સહિતના કેટલાક જાદુગરો પણ હાજર રહ્યા હતા અને તેઓએ જાદુના ખેલ અને પ્રયોગ બતાવી ભાજપ પક્ષના પ્રચારના કેટલાક નમૂના દર્શાવી ભાજપના નેતાઓ, આગેવાનો સહિતના મીડિયાના લોકોમાં આકર્ષણ જમાવ્યું હતું. 

Previous articleજિલ્લાની ૭ બેઠક માટે અંતિમ દિવસે ૮૮ ફોર્મ ભરાયા
Next articleચૂંટણીમાં VVPAT મામલે વિવાદ થાય તો તેને પડકારી શકાય છે : સુપ્રીમ કોર્ટ