ફોર્મમાં ચાલી રહેલા કેપ્ટન વિરાટ કોહલી (૬૪ રન) અને યુવા બેટ્સમેન પૃથ્વી શો (૬૬ રન) સહિત પાંચ બેટ્સમેનોની અર્ધી સદીની મદદથી ભારતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવન સામેની અભ્યાસ મેચના બીજા દિવસે ૩૫૮ રન બનાવ્યા હતા. જોકે, લોકેશ રાહુલ ફરી એક વખત ફ્લોપ ગયો હતો. તે માત્ર ત્રણ રન બનાવી આઉટ થયો હતો. બીજા દિવસની રમતના અંતે ક્રિકેટ ઓસ્ટ્રેલિયા ઇલેવને વિના વિકેટે ૨૪ રન બનાવી લીધા હતા. ડાર્સી શોર્ટ ૧૦ અને બ્રાયન્ટ ૧૪ રને રમતમાં હતા. પ્રથમ સેશનમાં મેદાન ભીનું હોવાને કારણે ઝડપ અને ઉછાળ નહોતો પરંતુ ભારતને પ્રથમ ઝટકો માત્ર ૧૬ રને લાગ્યો હતો. અભ્યાસ મેચમાં પણ લોકેશ રાહુલનું ખરાબ ફોર્મ જોવા મળ્યું અને તે માત્ર ત્રણ રન બનાવી કોલમેનની ઓવરમાં બ્રાયન્ટને કેચ આપી બેઠો હતો. તે પછી પૃથ્વી શોએ પૂજારા સાથે મળી બીજી વિકેટ માટે ૮૦ રન જોડયા હતા. શોએ ૫૨ બોલમાં અર્ધી સદી પૂર્ણ કરી હતી પરંતુ ડેનિયલ ફાલિન્સને સ્વિપ શોટ રમવાના પ્રયાસમાં બોલ્ડ થયો હતો.
શોની અર્ધી સદી બાદ કેપ્ટન વિરાટ કોહલી સહિત પાંચ ભારતીય બેટ્સમેનોએ અર્ધી સદી ફટકારી હતી.