સાસણ નજીક દેવળીયા સફારી પાર્કમાં સિંહે હુમલો કરતાં એક કર્મચારીનું મોત નિપજ્યું છે જ્યારે બે કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે.
વન વિભાગ દ્વારા મળતી માહિતી મુજબ આ ઘટના ગુરૂવારે સવારે દેવળીયા સફારી પાર્કમાં બની હતી. આ હુમલામાં પાર્કમાં મજૂર તરીકે કામ કરતાં રજનીશ કેશવાલાનું મોત નિપજ્યું છે. સિંહે હુમલો કર્યો તે સમયે ત્યાં હાજર અન્ય એક મજુર દિનેશે, રજનીશને બચાવવાના પ્રયાસો કર્યાં હતા. જો કે સિંહે દિનેશ પર પણ હુમલો કર્યો હતો. જો કે દિનેશ સિંહના પંજામાંથી છટકવામાં સફળ રહ્યો હતો અને આ હુમલા અંગે વન વિભાગને જાણ કરી હતી. સિંહના હુમલામાં ઘાયલ થયેલાં દિનેશને સારવાર માટે જૂનાગઢ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યારે રજનીશને સાવજ જંગલમાં ઘસડીને લઈ ગયો હતો. ત્યારે વન વિભાગે તેને શોધવાના ઘણાં પ્રયાસો કર્યાં હતા.
રજનીશ કેશવાલાને શોધવા ગયેલા એક ફોરેસ્ટર પર પણ સિંહે હુમલો કર્યો હતો. જો કે તેને સામાન્ય ઈજા જ થઈ હતી. ત્યારે તેમને પણ સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. રજનીશ કેશવાળાનો મૃતદેહ જંગલમાંથી મળ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગના ઉચ્ચાધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા.
મળતી માહિતી મુજબ રજનીશ સાસણ ગામનો રહેવાસી હતો.
જે છેલ્લાં ૧૦ માસથી જ ટ્રેકિંગમાં જાડાયાં હતા. આ પહેલાં તે જિપ્સીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતાં હતા. જો કે આ હુમલો કેવી રીતે થયો તેની વિગત બહાર આવી નથી. કેમકે દેવળીયા સફારી પાર્ક એક રીતે ઝૂ છે જેમાં સિંહોને પાંજરામાં રાખવામાં આવે છે. અને દિવસ દરમિયાન પ્રવાસીઓ માટે તેમને ખુલ્લા છોડવામાં આવતા હોય છે. સાસણ ગીરમાં સિંહ દર્શન માટે બે સ્થળ પ્રખ્યાત છે. જેમાં એક છે ગીર અભ્યારણમાં આવેલ ગીર ટુરિઝમ ઝોન જ્યાં પ્રવાસીઓ આવે છે અને સિંહ દર્શન કરે છે. જ્યારે બીજી જગ્યાએ છે દેવળીયા સફારી પાર્ક. અહીં પાર્કમાં ટુરિસ્ટ બસ અને આ વર્ષથી શરૂ થયેલી જિપ્સીમાં બેસીને સિંહ દર્શન થાય છે. દેવળીયા પાર્કમાં સિંહ દર્શન કરવા આવતા લોકોને ગાઈડ માટે મહિલા કર્મચારીઓ પણ તહેનાત છે.