કલોલમાં રખડતા ઢોરોના ત્રાસથી લોકોમાં રોષ

674
gandhi23-11-3.jpg

કલોલમાં રખડતાં ઢોરોનો આતંક વધી ગયો છે. ઢોરો રસ્તા પર અડીંગો જમાવતાં હોવા છતાં પણ નગરપાલિકા તંત્ર નિષ્ક્રિય થઈને પાણીમાં બેસી ગયું છે. પૂર્વ વિસ્તારમાં અત્યાર સુધીમાં દસથી પણ વધારે વ્યક્તીઓને રખડતાં ઢોરોએ ગંભીર ઘાયલ કર્યા હોવા છતાં પણ તંત્ર દ્વારા ઢોર પકડવાની કાર્યવાહી નહીં કરવામાં આવતાં લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે. કલોલમાં રખડતાં ઢોરોના આતંક સામે પાલીકા તંત્ર ઘુંટણીયે પડી ગયું હોય તેમ નાગરિકોની રજૂઆતો સાંભળતું જ નથી. રખડતાં ઢોરોના હુમલાથી નિર્દોષ નાગરિકો ઘાયલ થઈ રહયા છે. ઢોરોના અડીંગાથી રોડ-રસ્તા પર બ્લોક થઈ જતા હોય છે. રોડ ઉપર રખડતાં ઢોરો ઘણી વખત વાહનચાલકોને પણ શિંગડા ભરાવી ઘાયલ કરી દેતા હોય છે. પૂર્વ વિસ્તારમાં જ રખડતાં ઢોરોએ અત્યાર સુધી ૧૦થી વધુ નિર્દોષ નાગરિકોને ગંભીર ઘાયલ કર્યા હોવાના બનાવો બની ચુકયા છે. ઢોરોના હુમલાથી ગંભીર ઘાયલ થયેલા ગરીબ નાગરિકોને સારવારનો ખર્ચ કયાંથી લાવવો? તે અંગે પણ અસમંજસ જેવી સ્થિતિ સર્જાય છે. ઉછીપાછીના કે પછી દેવું કરીને ગરીબોને સારવાર કરાવી પડતી હોય છે. નગરપાલિકા તંત્ર  સહિત ઉચ્ચ કક્ષાએ પણ રખડતાં ઢોરો અંગે અવારનવાર રજૂઆતો કરવામાં આવી હોવા છતાં પણ તંત્રના પેટનું પાણી હાલતું નથી! ત્યારે શું રખડતાં ઢોરો કોઈ નિર્દોષ નાગરિકનો ભોગ લેશે ત્યારે જ તંત્ર દોડતું થશે. પૂર્વ વિસ્તારમાં રખડતાં ઢોરોના હુમલા વધી જતાં લોકરોષને પામી જઈને નગરપાલિકાએ ફકત બે દિવસ ઢોર પકડવાની નામપુરતી કાર્યવાહી કરાવી હતી. જેથી હવે ઢોરોના હુમલાનો ભોગ બની રહેલા નાગરિકોને રજૂઆત કરવા કયાં જવું તે સમજાતું નથી.

Previous articleગાંધીનગર ઉપવાસ છાવણી ખાતે ગૌરક્ષા માટે સાધુઓ ઉપવાસ પર 
Next article રોટરી કલબ ઓફ દહેગામના સભ્યોએ ડિસ્ટ્રીકટ કોન્ફરન્સમાં ભાગ લીધો