પ્રો કબડ્ડી : ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સે પૂણેરી પલ્ટનને ૩૫-૨૦થી હરાવ્યું

846

પૂણેમાં રમાયેલી પ્રો કબડ્ડી લીગની ૮૭મી મેચમાં ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સે ફરી એક વાર મજબૂત  ઓલરાઉન્ડ દેખાવ કરીને ઝોન એની લીગ મેચમાં પૂણેરી પલ્ટનને ૩૫-૨૦થી પછાડ્યું હતું. આ વિજય સાથે  ગુજરાતની ટીમ પોઈન્ટ ટેબલમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. ૧૬ મેચમાં યુ મુમ્બાના ૬૨ પોઈન્ટ્‌સ છે, જ્યારે  જાયન્ટ્‌સે ૧૫ મેચ રમીને ૬૫ પોઈન્ટ્‌સ હાંસિલ કર્યાં છે. પીકેએલમાં અપરાજિત રહેવાના ઈતિહાસ ધરાવતી જાયન્ટ્‌સને પૂણેરી પલ્ટન સામે મનોવૈજ્ઞાનિક લાભ મળ્યો  હતો. જોકે એક દિવસ અગાઉ રમાયેલી મેચમાં પલ્ટને હરિયાણાની ટીમ સામે ૧૫ પોઈન્ટ્‌સથી પાછળ રહ્યાં બાદ  અદભૂત રમત દર્શાવી વિજય મેળવ્યો હતો. વ્યૂહરચના ઘડવામાં નિષ્ણાત એવા મનપ્રીતે ખેલાડીઓને પોતાની કુદરતી રમત રમવા જણાવ્યું હતું. કમનસીબે જાયન્ટ્‌સની શરૂઆત ખરાબ રહી હતી. જેમાં તેમના સ્ટાર રેઈડર સચિનને તેની પ્રથમ રેઈડ દરમિયાન જ મ્હાત  મળી હતી. આગલી રાત્રે રમાયેલી મેચમાં અદભૂત દેખાવ કરનાર પલ્ટનના સંદીપ નરવાલે સ્કોર ૩-૨ કરવામાં મદદ કરી હતી.

જોકે સુનિલ કુમારના નેતૃત્વવાળી ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સની વ્યૂહરચના કંઈક અલગ હતી. પ્રારંભિક ધીમી રમત બાદ રેઈડર્સની સાથે સાથે જ સંરક્ષણ પણ હરકતમાં આવી ગયું હતું. જાયન્ટ્‌સના સચિને બે રેઈડિંગ  પોઈન્ટ્‌સ લઈ મેચમાં સૌપ્રથમ ઓલઆઉટ કરતાં સ્કોર ૧૩-૫ થયો હતો. બંને ટીમના વિરામ દરમિયાન જાયન્ટ્‌સ પાસે ૨૦-૧૧ની આરામદાયક લીડ હતી. અનુભવી કેમ્પેઈનર અને પલ્ટનના મુખ્ય રેઈડર રાજેશ મોન્ડલ અને નરવાલે ગત રાત્રિના દેખાવનું પુનરાવર્તન  કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ગુજરાત ફોર્ચ્યુન જાયન્ટ્‌સે તેમને બેન્ચ પર બેસવા મજબૂર કર્યાં હતાં. રમત  પૂરી થવાની જાહેરાત વખતે જાયન્ટ્‌સનો સ્કોર ૩૫ અને પલ્ટનનો સ્કોર ૨૦ રહેવા પામ્યો હતો.

Previous articleફીફા રેંકીંગઃ બેલ્જિયમ પ્રથમ સ્થાને યથાવત, ભારત ૯૭મા નંબર પર
Next articleમિતાલી સાથેનો વિવાદ પોવારને પડશે ભારે, BCCI છીનવી શકે છે કોચ પદ