આર્મી ચીફ બિપિન રાવતે પાકિસ્તાન સાથે વાતચીત વીશે ફરી ખુલાસો કર્યો છે કે, આતંકવાદ અને વાતચીત એક સાથે ન થઈ શકે. તેમણે કહ્યું કે, પાકિસ્તાન એક મુસ્લિમ દેશ બની ચૂક્યો છે. જો તેણે ભારત સાથે સારા સંબંધ બનાવવા હશે તો તેણે ધર્મનિરપેક્ષ બનવું પડશે. તેમણે કહ્યુંકે, ભારત એક ધર્મનિરપેક્ષ દેશ છે અને તેમની ઈચ્છા અમારા જેવી બનવાની હોય તો તેમણે શક્યતાઓ જોવી પડશે.
આર્મી ચીફે કહ્યું કે, પાકિસ્તાન કહી રહ્યું છે કે, ભારત એક પગલું આગળ વધે અમે બે પગલાં આગળ વધીશું. તેમની તરફથી પહેલાં એક પગલું સકારાત્મક દિશામાં હોવી જોઈએ અને તેની અસર તેમની ધરતી પર થવી જોઈએ. ત્યારપછી જ વાતચીત આગળ વધશે. અમારા દેશની રણનીતિ સ્પષ્ટ છે કે, આતંકવાદ અને વાતચીત એક સાથે નહીં થઈ શકે. આર્મીમાં મહિલાઓની ભાગીદારી પર આર્મી ચીફે કહ્યું કે મહિલાઓની ક્ષમતા પર કોઈ સવાલ નથી.
અમે તેમને હજુ ફ્રન્ટલાઇન કોમ્બેટ રોલની જવાબદારી નથી આપી. અમને લાગે છે કે આપણે હજુ થોડી વધુ રાહ જોવાની જરૂર છે. હજુ આપણે તેના માટે તૈયાર નથી. આર્મીમાં મહિલાઓની ભાગીદારીને લઈને પશ્ચિમી દેશ વધુ ખુલેલા છે. મોટા શહેરોમાં ભલે છોકરા-છોકરીઓ સાથે કામ કરી રહ્યા છે પરંતુ આર્મીમાં લોકો માત્ર મોટા શહેરો સુધી જ સીમિત નથી.