યુપીએના ગાળા દરમિયાન જીડીપીના આંકડાને લઈને મચેલા ઘમસાણ વચ્ચે મોદી સરકારને પણ મોટો ફટકો પડ્યો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળા જુલાઈ-સપ્ટેમ્બરમાં અર્થવ્યવસ્થાની વિકાસની ગતિ ૭.૧ ટકા થઈ ગઈ છે જે પ્રથમ ત્રિમાસિક ગાળામાં ૮.૨ ટકા રહી હતી. અલબત્ત એક વર્ષ પહેલાની ત્રિમાસિક અવધિમાં આ આંકડો ૬.૩ ટકાનો હતો. વિકાસ દરની ગતિ ધીમી પડતા વિરોધ પક્ષોને મોદી સરકારને ભીંસમાં લેવાની તક મળશે. નાણાંકીય વર્ષ ૨૦૧૮-૧૯ના જુલાઈ-સપ્ટેમ્બરમાં વિકાસ દર ઘટીને ૭.૧ ટકા થઈ ગયો છે જે ૮.૨ની સરખામણીમાં ખુબ ઓછો દર છે. આના મુખ્ય કારણો જે આપવામાં આવ્યા છે તેમાં ડોલરની સામે રૂપિયામાં નોંધાયેલી નબળાઈ અને ગ્રામીણ માંગમાં ઘટાડો છે. નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ના બીજા ત્રિમાસિક ગાળામાં ઘટાડો થયો હોવા છતાં જીડીપીનો વૃદ્ધિ દર છેલ્લા નાણાકીય વર્ષની આજ અવધિની સરખામણીમાં વધારે છે. જીડીપીને લઈને આક્ષેપ પ્રતિઆક્ષેપનો દોર હાલમાં ચાલી રહ્યો છે. ભારતીય સ્ટેટ બેન્કના રિપોર્ટમાં વિકાસ દર ૭.૫ થી લઈને ૭.૬ ટકા રહેવાનો અંદાજ મુકવામાં આવ્યો હતો. નિષ્ણાતોએ એવો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો કે પ્રથમ ત્રિમાસિક ગાળાની સરખામણીમાં વધુ ઘટાડો થશે.
ક્રુડ ઓઈલની કિંમતો, કુદરતી ગેસ અને યુરીયાના ઉત્પાદનમાં ઘટાડાથી આઠ મૂળભૂત ક્ષેત્રોના ઉદ્યોગનો દોર ઓકટોબરમાં ૪.૮ ટકા રહ્યો છે. આઠ મૂળભૂત ક્ષેત્રો અથવા તો કોર સેકટર કોલસા, ક્રુડ ઓઈલ, કુદરતી ગેસ, રિફાઈનરી, યુરિયા, સ્ટીલ, સિમેન્ટ અને વીજળીના ક્ષેત્રમાં વૃદ્ધિ દર એક વર્ષ પહેલા ઓકટોબરમાં પાંચ ટકા હતો. જ્યારે સપ્ટેમ્બર ૨૧૮માં ૪.૩ ટકાનો દરો હતો. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય તરફથી આજે જારી કરવામાં આવેલા આંકડામાં ઓકટોબર મહિનામાં ખાતર ઉત્પાદનમાં ૧૧.૫ ટકા, ક્રુડ તેલમાં ૫ ટકા, કુદરતી ગેસના ઉત્પાદનમાં ૦.૯ ટકાનો ઘટાડો થયો છે. જ્યારે કોલસા, સિમેન્ટ અને વીજળીના ઉત્પાદનમાં વધારો થયો છે.