ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે ૯ ડિસેમ્બરે યોજાનાર વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારી પત્રો ભરવાના ગઈકાલે અંતિમ દિવસ સુધીમાં કુલ ૧ર૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેની આજે અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. જેમાં તમામ બેઠકો પરથી ૩૦ ફોર્મ રદ્દ થયા હતા.
ભાવનગર જિલ્લાની ૭ બેઠકો માટે કુલ ૧ર૩ ઉમેદવારી પત્રો ભરાયા હતા. જેની આજે ચકાસણી કરાતા એક કરતા વધુ સેટ રજૂ કરેલા રાજકિય પક્ષના ઉમેદવારોના વધારાના સેટ અને ડમી ઉમેદવારો સહિત કેટલાક અપક્ષો મળી ૩૦ જેટલા ફોર્મ રદ્દ થયા હતા. જેમાં મહુવા બેઠક પર ભાજપના ડમી ઉમેદવાર ભરતભાઈ હડીયા, કોંગ્રેસના ડમી ઉમેદવાર રઘુભાઈ બારૈયા તેમજ વર્ષાબેન જોળીયા તથા અપક્ષ જસુભાઈ ડાભી અને તેજાભાઈ સરવૈયા સહિત પાંચ ફોર્મ રદ્દ થયા હતા. જ્યારે તળાજા બેઠક પર કોંગ્રેસના ડમી ઉમેદવાર દિગ્વિજયસિંહ ગોહિલ, ભાજપના ડમી ઉમેદવાર બટુકરાય ધાંધલ્યા અને અપક્ષો હરેશભાઈ મેર તથા મનસુખભાઈ બારૈયાનું ફોર્મ રદ્દ થયું હતું. ગારિયાધાર બેઠક પર ભાજપના ડમી ઉમેદવાર વી.ડી. સોરઠીયા, કોંગ્રેસના ડમી ઉમેદવાર ગોવિંદભાઈ મોરડીયા તેમજ ગુજરાત જનચેતના પાર્ટીના ડમી ઉમેદવાર નરેશભાઈ ચૌહાણના ફોર્મ રદ્દ થયા હતા.
ભાવનગર જિલ્લાની પાલીતાણા બેઠક માટે કોંગ્રેસના ડમી ઉમેદવાર સુભાષભાઈ સવાણી, ભાજપના ડમી ઉમેદવાર ઘનશ્યામભાઈ સિહોરા તેમજ ગુજરાત જનચેતના પાર્ટીના ડમી ઉમેદવાર ભાવેશભાઈ ડાભીના ફોર્મ રદ્દ થયા હતા. ભાવનગર ગ્રામ્ય બેઠક પર કોંગ્રેસના ડમી ઉમેદવાર મહાવિરસિંહ ગોહિલ, ભાજપના ડમી ઉમેદવાર ચીથરભાઈ પરમાર તેમજ અપક્ષ વિનોદભાઈ સાથળીયાનું ફોર્મ રદ્દ થયું હતું. જ્યારે ભાવનગર પૂર્વ બેઠક પર ભાજપના ડમી ઉમેદવાર નિમુબેન બાંભણીયા, કોંગ્રેસના ડમી ઉમેદવાર જસુબેન બારૈયા તેમજ ગીતાબેન પોંદા, વિજયભાઈ નૈયા અને સલીમભાઈ મહેતરનું ફોર્મ રદ્દ થયું હતું. ભાવનગર પશ્ચિમ બેઠકમાંથી આમ આદમી પાર્ટીના પ્રતાપભાઈ પટેલ, ભાજપના ડમી ઉમેદવાર હરેશ મકવાણા, કોંગ્રેસના ડમી ઉમેદવાર અઅકભાઈ મેણીયા, નીતાબેન ચૌહાણ, ફીરોજભાઈ ખટુમ્બરા, જયંતિભાઈ જોગદીયા અને મુકેશભાઈ ચૌહાણના ફોર્મ રદ્દ થયા હતા. ભાવનગર જિલ્લાની દરેક બેઠક માટે કોંગ્રેસ તથા ભાજપના મુખ્ય ઉમેદવારે એક કરતા વધારે સેટમાં ફોર્મ રજૂ કર્યા હોય તેના વધારાના ફોર્મ પણ રદ્દ કરાયા હતા. આમ, ભાવનગર જિલ્લાની સાત બેઠકો માટે આજે ફોર્મ ચકાસણીના દિવસે ૩૦ ઉમેદવારીપત્રો રદ્દ થયા હતા. હવે ૯૩ ઉમેદવારી બાકી રહ્યાં હોય શુક્રવાર બપોર ૩ વાગ્યા સુધીમાં ફોર્મ પરત ખેંચવાના સમય બાદ છેલ્લે કેટલા ઉમેદવારો બાકી રહેશે તેનું ચિત્ર સ્પષ્ટ થશે.