બે વર્ષ પુર્વ્ શહેરના ભરતનગર વિસ્તારમાં એક તરફી પ્રેમમાં પાગલ યુવાને મિત્રની પત્નિની પેચીયાના જીવલેણ ઘા મારી હત્યા કરવાના બનાવનો કેસ સેશન્સ જજ સુભદ્રાબેન બક્ષીની કોર્ટમાં ચાલી જતા જજે આજીવન કેદની સજા ફટકારી હતી.
બનાવ અંગે પ્રાપ્ત વિગત મુજબ ભાવનગરમાં રહેતા શૈલેષભાઈ બાબુભાઈ હીરાણી, દિપક રાજેન્દ્રભાઈ ભટ્ટ અને આકાશ સુનિલભાઈ ચિત્રોડા ત્રણેય મિત્રોએ ભાગીદારીમાં નાસ્તાનો ધંધો શરૂ કરેલ દરમ્યાન શૈલેષ હીરાણી રેનાઈન્સ કંપનીમાં નોકરીએ ગયો હોય ત્યારે દિપક ભટ્ટ શૈલેષના ઘરે નાસ્તો બનાવવા જતો ત્યારે શૈલેષ પત્નિ કોમલબેન આકાશ ચિત્રોડા સાથે ફોનમાં વાત કરતી હોય એક તરફી પ્રેમમાં પાગલ બનેલા દિપકે તા. ૧૧-પ-ર૦૧૬ રોજ બપોરના સમયે કોમલબેન ઉપર ઉશ્કરાઈ જઈ પેચીયાના ઘા ઝીંકી હત્યા કરી નાસી ગયેલ. આ બનાવ અંગે શૈલેષ હિરાણીએ દિપક ભટ્ટ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે દિપકની ધરપકડ કરેલ. દરમ્યાન તેનો કેસ સેશન્સ જજ સુભદ્રાબેનની અદાલતમાં ચાલી જતા આરોપી સામેની દલીલો પુરાવાના આધારે ગુનેગાર માનીને આજીવન કેદની સજા તથા રોકડ દંડ ફટકાર્યો હતો.