પાટીદાર અનામત આંદોલન સમિતિના હાર્દિક પટેલ સહિત કેટલાક કન્વીનર કોંગ્રેસ સાથે જોડાણ કરતા છેલ્લા કેટલાક દિવસથી પાસમાં ફાટા પડ્યા છે અને હાર્દિક પટેલનો વિરોધ થઈ રહ્યો છે અને પાટીદાર સમાજ દ્વારા હાર્દિકના પૂતળા બાળવામાં આવી રહ્યાં છે ત્યારે આજે રાત્રિના ભાવનગર શહેરના ઘોઘાગેટ ચોક ખાતે પાટીદાર સમાજ દ્વારા હાર્દિક પટેલનું પુતળુ બાળી સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
પાટીદાર સમાજને અનામત આપવાની લોલીપોપ આપી હાર્દિક કોંગ્રેસમાં જોડાઈ જતા પાટીદાર સમાજમાં રોષ ઉઠવા પામ્યો છે. હાર્દિક પટેલે સમાજને છેતર્યો હોવાનો અહેસાસ પાટીદારો કરી રહ્યાં છે અને ઠેર-ઠેર પૂતળા દહન કરાઈ રહ્યાં છે ત્યારે આજે રાત્રિના શહેરના ઘોઘાગેટ ચોક ખાતે પાટીદાર સમાજના આગેવાનો અશોકભાઈ પટેલ, લાભુભાઈ પટેલ, જીતુભાઈ પટેલ, હસમુખભાઈ પટેલ સહિતની ઉપસ્થિતિમાં હાર્દિક પટેલના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું અને ભારે સુત્રોચ્ચાર કરી આક્ષેપો કરવામાં આવ્યા હતા.