ભારતીય ક્રિકેટ ટીમ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ૬ ડિસેમ્બરથી ચાર ટેસ્ટ મેચની શ્રેણીનો પ્રારંભ થશે. આ વખતે આશા રાખવામાં આવી રહી છે કે વિરાટ કોહલીની ટીમ ઓસ્ટ્રેલિયાની ધરતી ઉપર જીતનાર પ્રથમ ટીમ બનશે. ટીમ ઇન્ડિયાનો પૂર્વ સુકાની અનિલ કુંબલે પણ ઉત્સાહિત છે અને આશા છે કે ભારતીય ટીમ વિજેતા બનીને આવશે.
કુંબલેએ કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયા પાસે આ શ્રેણીમાં તેના સૌથી શાનદાર ખેલાડી સ્મિથ અને વોર્નર હોય કે ના હોય તેનો કોઈ ફરક પડતો નથી. કારણ કે જે રીતને ક્ષમતા ભારતીય ટીમ પાસે છે તેને જોતા શ્રેણી જીતવાની પ્રબળ દાવેદાર છે. તે ઇંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકામાં જીત મેળવવાથી ચૂકી ગયા હતા પણ ઓસ્ટ્રેલિયાને તેની ધરતી ઉપર હરાવવાની શાનદાર તક છે.
હાલની શ્રેણીમાં ભારતીય બેટ્સમેનોની નિષ્ફળતા અને બોલરોની વધારાની જવાબદારી વિશે કુંબલેએ કહ્યું હતું કે મને લાગે છે કે મેચ જીતવા માટે બોલરોએ ૨૦ વિકેટ ઝડપવી જરુરી છે અને તેમણે આ સતત કરવું પડશે. કારણ કે છેલ્લી કેટલીક શ્રેણીમાં બેટ્સમેનોનું પ્રદર્શન શાનદાર રહ્યું ન હતું. તેથી આ વખતે જવાબદારી ઉઠાવવી પડશે. ખાસ કરીને ટોપ ઓર્ડરે. આપણે જાણીએ છીએ કે શ્રેણી ઓપનર જીતાડે છે અને મેચ લોઅર ઓર્ડરના યોગદાનથી જીતાય છે. જેથી ટીમે સારી શરુઆત કરવી પડશે.